મહારાષ્ટ્રમાં કૉંગ્રેસની લાજ રાખી ચંદ્રપુરના બાળુ ધાનોરકરે

મહારાષ્ટ્રમાં કૉંગ્રેસની લાજ રાખી ચંદ્રપુરના બાળુ ધાનોરકરે
મુંબઈ, તા.24 : લોકસભાની ચૂંટણીમાં મોદી સુનામીએ સપાટો બોલાવીને ભાજપ અને એનડીએને પ્રચંડ બહુમતી અપાવી છે અને દેશભરમાં કૉંગ્રેસ સહિતના વિપક્ષોને નામશેષ કરી નાખ્યા છે. મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેનાની યુતિ સામે કૉંગ્રેસ-રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (એનસીપી)ની યુતિને નામપૂરતી બેઠકો મળી છે, જોકે, મહારાષ્ટ્રની ચંદ્રપુરની બેઠક પર ભાજપ માટે આંચકાજનક પરિણામ આવ્યું છે. 
ચંદ્રપુર બેઠક પર કેન્દ્રના ગૃહ રાજ્ય પ્રધાન હંસરાજ આહિરને કૉંગ્રેસના ઉમેદવાર સુરેશ ઉર્ફે બાળુ ધાનોરકરે મતોની પાતળી સરસાઇથી હરાવવાની સાથે મહારાષ્ટ્રમાં કૉંગ્રેસે સમ ખાવા પૂરતી એક બેઠક મેળવી છે. ધાનોરકરના વિજય બાદ કૉંગ્રેસના કાર્યકરોએ ચંદ્રપુરમાં ફટાકડા ફોડીને તેમ જ મીઠાઇઓ વહેંચીને ખુશી વ્યક્ત કરી હતી. 
બાળુ ધાનોરકર ચંદ્રપુર જિલ્લાની વરોરા બેઠકના શિવસેનાના વિધાનસભ્ય હતા અને શિવસેનાને રામ રામ કરીને કૉંગ્રેસમાં પ્રવેશ્યા હતા. કૉંગ્રેસે ધાનોરકરને લોકસભાના ઉમેદવાર બનાવ્યા બાદ ધાનોરકરે શિવસેનાના વિધાનસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. કૉંગ્રેસના ઉમેદવાર બનીને તેમણે મોદી સરકારના પ્રધાન આહિરને હરાવવા ઉપરાંત રાજ્યભરમાં એક માત્ર બેઠક જીતીને પાર્ટીની લાજ પણ બચાવી છે. 
ગુરુવારે સવારે મત ગણતરી શરૂ થયા બાદ ચંદ્રપુરની બેઠક માટે આહિર અને ધાનોરકર વચ્ચે દિવસભર તીવ્ર રસાકસી જોવા મળી હતી અને આખરે ધાનોરકર વિજેતા થયા હતા. સુરેશ ધાનોરકરને 5,59,507 મતો મળ્યા તેની સામે હંસરાજ આહિરને 5,14,744 મતો મળ્યા હતા. વર્ષ 2004 બાદ પ્રથમવાર કૉંગ્રેસને ચંદ્રપુરની બેઠક પર વિજય મળવા સાથે જ આ વખતની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં કૉંગ્રેસને એક માત્ર ચંદ્રપુરની બેઠક મળી છે.
Published on: Sat, 25 May 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer