મહારાષ્ટ્રમાં તમામ ઉમેદવારો સરેરાશ 1.82 લાખ મતોના તફાવતથી જીત્યા

મહારાષ્ટ્રમાં તમામ ઉમેદવારો સરેરાશ 1.82 લાખ મતોના તફાવતથી જીત્યા
મુંબઈ, તા. 24 : લોકસભાની આ વખતની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનાની યુતિએ સપાટો બોલાવ્યો, પરંતુ એક ખાસિયત એ પણ છે કે તમામ ઉમેદવારો પ્રતિસ્પર્ધીઓ કરતાં મોટા તફાવતથી જીત્યા છે. મહારાષ્ટ્રની તમામ 48 બેઠકો પર વિજેતાઓ અને હારેલા ઉમેદવારો વચ્ચેના મતોનો સરેરાશ તફાવત 1.82 લાખ છે. જોકે, વર્ષ 2014ની ચૂંટણીમાં આ તફાવત 1.87 લાખનો હતો, પરંતુ વર્ષ 2009ની ચૂંટણીમાં વિજેતાઓ અને હારેલા ઉમેદવારોના મતોના સરેરાશ તફાવત કરતા આ વખતે 77,898 મતોનો વધારો નોંધાયો છે. 
મહારાષ્ટ્રમાં આ વખતે ભાજપ 23 સીટો પર જીતી છે અને જીતેલા ઉમેદવારોને તેમના પ્રતિસ્પર્ધીઓ કરતાં સરેરાશ 2.17 લાખ મતો વધુ મળ્યા છે, વર્ષ 2014ની ચૂંટણીમાં ભાજપને બાવીસ સીટો મળી હતી અને વિજેતા અને પરાજિત ઉમેદવારો વચ્ચે સરેરાશ મતોનો તફાવત 2.37 લાખ હતો. એ અગાઉ વર્ષ 2009ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે મહારાષ્ટ્રમાં નવ સીટ મેળવી હતી અને જીતનો સરેરાશ તફાવત માત્ર 52,723 મતોનો હતો. 
ઉત્તર મુંબઈની બેઠક પર ભાજપના સંસદસભ્ય ગોપાલ શેટ્ટીએ આ વખતે સર્વાધિક 4.65 લાખ મતોના તફાવતથી ચૂંટણી જીતીને પોતાનો જ ગયા વખતનો 4.46 લાખ મતોના તફાવતનો વિક્રમ તોડયો છે. આ વખતે ભાજપના બે ઉમેદવારોએ ચાર લાખથી વધુ મતોના તફાવતથી અને ત્રણ ઉમેદવારોએ ત્રણ લાખથી વધુ મતોના તફાવતથી ચૂંટણી જીતી છે. રાજ્યમાં સૌથી ઓછા 40,010 મતોના તફાવતથી ભાજપના પ્રતાપરાવ ચિખલિકરે નાંદેડની બેઠક પરથી ચૂંટણી જીતીને કૉંગ્રેસના પ્રદેશાધ્યક્ષ અને પૂર્વ મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણને હરાવ્યા છે.
શિવસેનાએ પણ 18 સીટો મતોના સરેરાશ 1.83 લાખના તફાવતથી જીતી છે. શિવસેનાએ ગયા વખતે સરેરાશ 1.69 લાખ મતોના તફાવતથી બેઠકો જીતી હતી તેના કરતાં આ વખતે વધુ મતો મેળવ્યા છે. શિવસેનાના રાજન વિચારેએ થાણે બેઠક પરથી 4.10 લાખ મતોના મસમોટા તફાવતથી જીત મેળવી છે.  ગયા વખતની ચૂંટણીમાં પણ વિચારેએ 2.81 લાખ મતોના તફાવતથી ચૂંટણી જીતી હતી જે શિવસેનાના ઉમેદવારે મેળવેલા સર્વાધિક મતોનો તફાવત હતો. શિવસેનાના પરભણીના ઉમેદવાર સંજય જાધવ એનસીપીના રાજેશ વિટેકરને 42,199 મતોથી પરાજિત કરીને શિવસેનાના સૌથી ઓછા મત તફાવતથી જીતેલા ઉમેદવાર બન્યા છે.
એનસીપી રાજ્યની ચાર બેઠકો પર વિજેતા નિવડી છે અને મતોનો સરેરાશ તફાવત 92,644નો રહ્યો છે જે ગયા વખતના સરેરાશ 1.23 લાખ મતોના તફાવતથી ઘટયો છે. આ વખતે એનસીપીના સુપ્રિયા |ળે પાર્ટી તરફથી સર્વાધિક 1.55 લાખ મતોના તફાવતથી જીત્યાં છે જ્યારે સૌથી ઓછા 31,438 મતોના તફાવતથી રાયગડ બેઠક પર એનસીપીના સુનીલ તટકરે જીત્યા છે. 
કૉંગ્રેસ ગયા વખતે બે સીટ પર જીતી હતી અને મતોનો સરેરાશ તફાવત 41,453 મતોનો હતો તેની સરખામણીએ આ વખતે કૉંગ્રેસે ચંદ્રપુરની એક જ બેઠક પર જીત મેળવી છે અને મતોનો તફાવત 51,181નો છે.
રાજ્યમાં સૌથી ઓછા 4492 મત તફાવતથી એઆઇએમઆઇએમના ઇમ્તિયાઝ જલીલે જીત મેળવી છે જ્યારે અમરાવતીની બેઠક પર અપક્ષ ઉમેદવાર નવનીત રાણેએ 36,951 મતોથી જીત મેળવી છે.
Published on: Sat, 25 May 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer