ભિંડી બજારની ભીષણ આગમાં બે મહિલાનાં મૃત્યુ

ભિંડી બજારની ભીષણ આગમાં બે મહિલાનાં મૃત્યુ
મુંબઈ, તા. 24 : ગુરુવારે મોડી રાત્રે ભિંડી બજારમાં બોરી મહોલ્લામાના એક મકાનમાં ભીષણ આગ લાગી હતી, જેમાં બે મહિલાના મૃત્યુ થયું હતું અને ત્રણ બંબાવાળા સહિત 11 જણ જખ્મી થયા હતા.
ફાયર બ્રિગેડે કહ્યું હતું કે આગ રાત્રે 10.30 વાગ્યાની આસપાસ ચાર માળની પંજાબ મહાલ નામની બિલ્ડિંગના ત્રીજા માળે લાગી હતી. રમઝાનનો પવિત્ર મહિનો ચાલતો હોવાથી આખો વિસ્તાર ભરચક હતો અને આગની ઘટનાને કારણે મોહલ્લામાં ગભરાટ ફેલાઈ ગયો હતો. પહેલા શોટ સર્કિટની ઘટનાનો કોલ આ બિલ્ડિંગમાંથી આવ્યો હતો અને પછી આગની ઘટનાનો કોલ આવ્યો હતો.
ફાયર બ્રિગેડના આશરે 12 એન્જિન ઘટના સ્થળે દોડી ગયા હતા અને આશરે ત્રણેક વાગે લેવલ ત્રણની આગ અંકુશમાં આવી હતી. જખ્મીઓને જેજે હૉસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે.
ચોથા માળે ચાર જણ ફસાઈ ગયા હતા અને ફાયર બ્રિગેડના જવાનો બેને બચાવી શકયા હતા, પણ ફરીદા માસ્તર (60) અને નફિસા ગિતમ (60) ત્યાં બેભાનાવસ્થામાં પડયા હતા. બન્નેને હૉસ્પિટલમાં તાબડતોબ લઈ જવામાં આવ્યા હતા, પણ ડૉક્ટરોએ તેમને મૃત ઘોષિત કર્યા હતા.
સ્ટેશન ફાયર અૉફિસર ચંદ્રશેખર ગુપ્તા, ફાયરમેન પુન્ડલિક માને તથા રમેશ સાગર ઉપરાંત બિલ્ડિંગના 11 રહેવાસીઓને ગૂંગળામણને કારણે હૉસ્પિટલમાં ભરતી કરાયા હતા.
જખ્મી રહેવાસીઓમાં તાહિર નલવાલા (72), મુસ્તફા સોની (42), ફરીદા ચિત્તલવાલા (52), સૈફુદ્દીન ચિત્તલવાલા (62), બુરહાદ્દીન હોટેલવાલા (29), મુસ્તફા હોટેલવાલા (46) અને અલી અસગર (32)નો સમાવેશ છે.
Published on: Sat, 25 May 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer