સુરતમાં તક્ષશિલા બન્યું લાક્ષાગૃહ : 20 છાત્રોનાં મોત

સુરતમાં તક્ષશિલા બન્યું લાક્ષાગૃહ : 20 છાત્રોનાં મોત
15થી વધુને ઈજા : બીજા માળે એ.સી.માં લાગેલી આગ ચોથા માળે ટયુશન કલાસીસમાં પહોંચી

અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા.24 : શહેરનાં જકાતનાકા વિસ્તારમાં આવેલાં તક્ષશિલા એપાર્ટમેન્ટમાં બપોરે ચાર કલાકનાં અરસામાં બીજા માળે લાગેલી ભીષણ આગ જોત-જોતામાં સમગ્ર કોમ્પલેક્ષમાં પ્રસરી નીકળી હતી. આગનાં કારણે કોમ્પલેક્ષમાં ચાલતાં કોચીંગ ક્લાસમાં ભણી રહેલાં 20 બાળકોનાં મૃત્યુ નિપજ્યાં છે જ્યારે 15થી વધુ લોકોને ગંભીર ઈજા પહોંચી છે. આગમાં ગંભીર રીતે દાઝેલાઓની સારવાર માટે દિલ્હીથી ખાસ એઈમ્સનાં તબીબોની એક ટીમ સુરત આવવા રવાના થઇ છે.
તક્ષશિલા એપાર્ટમેન્ટમાં એકથી વધુ કોચીંગ ક્લાસીસ ચાલી રહ્યા હતાં ત્યારે પ્રાપ્ત જાણકારી મુજબ એપાર્ટમેન્ટનાં બીજા માળે આવેલાં આર્ટ સ્ટુડીઓનાં એસીમાં શોર્ટ શર્કિટ થતાં આગ લાગી હતી. જોત-જોતામાં આગે ગંભીર સ્વરૂપ ધારણ કરી લીધુ હતું. બીજા માળની આગ ચોથા માળ સુધી પહોંચી હતી. ચોથા માળે ચાલી રહેલાં આલોહા કોચીંગ ક્લાસીસ અને અન્ય એક ડ્રોઈંગ ક્લાસીસનાં રૂમમાં પહોંચતાં અંદર ભણી રહેલા બાળકો ફસાયા હતાં. આગમાં મૃત્યુ પામેલાં બાળકોની ઉંમર 8 થી 15 વર્ષ હોવાનું જાણવા મળ્યું છે. બાળકોએ પોતાના જીવ બચાવવા માટે ચોથા માળેથી કૂદકો લગાવ્યો હતો. જેનાં કારણે પણ બાળકોનાં મૃત્યુ નિપજ્યા હતાં. 
આ ઘટનાના મૃતકો અને ઇજાગ્રસ્તોને શહેરની ચાર અલગ-અલગ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. શહેરની સ્મીમેર, પીપી સવાણી, કિરણ હોસ્પિટલ અને સ્પાર્કલ હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોને લઈ જવામાં આવ્યા છે. સ્મીમેરમાં 16 મૃતદેહોને પોટલામાં લાવવા પડયા હતાં. જ્યારે ત્રણ મૃતદેહ સ્પાર્કલ હોસ્પિટલ લાવવામાં આવ્યા છે. જેને સ્મીમેરમાં લાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ઈજાગ્રસ્તોને ખાનગી અને સરકારી બન્ને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પાંચ ઈજાગ્રસ્ત પીપી સવાણીમાં, ચાર ઈજાગ્રસ્તને સ્મીમેરમાં એક ઈજાગ્રસ્તને કિરણ હોસ્પિટલમાં અને પાંચ ઈજાગ્રસ્તને સ્પાર્કલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
બીજી તરફ મોડી સાંજે ઘટનાની ગંભીરતા જોતાં સીએમ રૂપાણી સુરત આવવા માટે નીકળી રાત્રિનાં આઠ કલાકે તેઓ સુરત આવી પહોંચ્યા હતાં. મુખ્યપ્રધાને સુરત સ્મીમેર હોસ્પિટલમાં દાખલ ઈજાગ્રસ્તોને મળી સાંત્વના આપી હતી. 
સરકારે મૃતકોના પરિવારજનોને રૂા. 4-4 લાખની સહાયની જાહેરાત કરી છે. તેમ જ મુખ્ય પ્રધાને તપાસના આદેશ જારી કર્યા છે. ત્રણ દિવસમાં સચિવ કક્ષાના અધિકારી તપાસ કરી રિપોર્ટ રાજ્ય સરકારને સુપરત કરશે. સુરતમાં બનેલી આગની ઘટનાને પગલે દેશભરમાંથી સંવેદનાનો ધોધ વહી રહ્યો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ટ્વિટ કરી અસરગ્રસ્તોને તમામ મદદ કરવાની સૂચના કાર્યકરોને આપી હતી. તો કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ કરી દુ:ખ વ્યક્ત કર્યુ હતું.
13 બાળાઓ સહિત 16ના મૃતદેહ પોટલામાં લઇ જવા પડયા
આગની ઘટનામાં જીવતા ભૂંજાઇ ગયેલાં માસૂમ વિદ્યાર્થીઓ પૈકી 16ને શહેરની સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતાં. મૃતદેહોની સ્થિતિ એવી હતી કે તેને પોટલામાં લઇ જવા પડયાં હતાં. આ 16 પૈકી 13 મૃતદેહ બાળાઓના હોવાનું જાણવા મળે છે. જેની ઓળખવિધિ કપરી બની રહી છે.
ફાયર બિગ્રેડ ઘટનાની 30 મિનિટ બાદ પહોંચ્યું!
સુરતના ટયુશન કલાસીસની આગની ઘટના બન્યા સમયે ઉપસ્થિત લોકોના જણાવ્યા મુજબ આગ લાગ્યાની 30 મિનિટ પછી ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચી હતી.
બાળકોએ જીવ બચાવવા મોતની છલાંગ લગાવી!
ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચે તે પહેલાં આગથી ગભરાયેલા બાળકોએ આ કોમ્પ્લેક્ષના ચોથા માળેથી જીવ બચાવવા છલાંગો લગાવી હતી. 15થી વધુ બાળકોએ કોમ્પલેક્ષ પરથી ઝંપલાવ્યું હોવાનું જાણવા મળે છે. જેમાં પણ અનેકના મૃત્યુ થયાનું કહેવાય છે અને બાકીના ગંભીર ઇજાગ્રસ્ત છે.
મૃતકોની યાદી
ખંડેલા એશા રમેશભાઈ (ઉ.17), વસોયા જાનવી ચતુરભાઈ(ઉ.17), સંઘાણી મીત દિલીપભાઈ (ઉ.17), સુરાણી હસ્તી હિતેશભાઈ (ઉ.18), કાકડિયા ઈશા કાંતિભાઈ (ઉ.15), ઠુમ્મર અંશ મનસુખભાઈ (ઉ.18), વેકરિયા જાનવી મહેશભાઈ(ઉ.17), ખૂંટ દ્રષ્ટિ વિનુભાઈ (ઉ.18), બલર રૂચી રમેશભાઈ (ઉ.17), કૃતિ નિલેશભાઈ દયાળા
Published on: Sat, 25 May 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer