મુંબઈના એક ભૂતપૂર્વ પોલીસ કમિશનર લોકસભામાં

મુંબઈ, તા. 25 : મુંબઈના બે પૂર્વ પોલીસ કમિશનરો ડૉ. સત્યપાલ સિંહ અને અરૂપ પટનાયક આ વખતે લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર હતા, તેમાંથી ભાજપના ડૉ. સત્યપાલ સિંહ બીજી વાર ઉત્તર પ્રદેશના બાગપતની બેઠક પરથી 23,000 મતોની સાંકડી સરસાઇથી જયંત ચૌધરી સામે જીતી ગયા છે જ્યારે ઓરિસાના મુખ્ય પ્રધાન નવીન પટનાઇકની પાર્ટી બિજુ જનતા દળ તરફથી ભૂવનેશ્વરની બેઠક પર ઉમેદવાર બનેલા અરૂપ પટનાયક ભાજપના ઉમેદવાર અપરાજિતા સારંગી સામે હારી ગયા છે. 
બાગપતની બેઠક પર આઇપીએસ ડૉ. સત્યપાલ સિંહે ચૌધરી ચરણ સિંહના પૌત્ર જયંત ચૌધરી જેવા મજબૂત ઉમેદવારને હરાવ્યા જ્યારે ભૂવનેશ્વરની બેઠક પર આઇપીએસ અરૂપ પટનાયક સામે આઇએએસ અપરાજિતા સારંગીએ પોતાનું અપરાજિતા નામ સાર્થક કર્યું છે.
સનદી અધિકારી સારંગીએ 11 વર્ષ અગાઉ સેવા નિવૃત્તિ લઇને 2018માં ચૂંટણી લડવાનો નિર્ણય લીધો ત્યારે તેમણે કેન્દ્રના ગ્રામ વિકાસ મંત્રાલયના સહસચિવ પદેથી રાજીનામું આપ્યું હતું.
ભાજપે આઇપીએસ સારંગીની ઉમેદવારી જાહેર કરી એ સાથે જ બિજુ જનતા દળે તેના વર્તમાન સંસદસભ્ય પ્રસન્ન કુમાર પટસાના બદલે આઇપીએસ પટનાયકને મેદાનમાં ઉતારવાનો નિર્ણય લીધો હતો. વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીમાં પટસાની 1.89 લાખથી વધુ મતોથી જીત્યા હતા.
આ અગાઉ મુંબઈના બીજા એક ભૂતપૂર્વ પોલીસ કમિશનર રામદેવ ત્યાગી પણ શિવસેનાની ટિકિટ પર લોકસભાની ચૂંટણી લડયા હતા, પણ ભાગ્યે તેમને સાથ આપ્યો ન હતો અને પછી ક્યારે પણ ચૂંટણી લડી નથી.

Published on: Sat, 25 May 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer