હવે મધ્યમ વર્ગ માટે અચ્છે દિન

નવી દિલ્હી, તા. 25 : બીજી ટર્મ માટે સત્તા પર આવેલી એનડીએ સરકાર સંપૂર્ણ સમય માટે પોતાનું બજેટ રજૂ કરી શકે છે, જેમાં વિશેષ તો આ બીજી ટર્મના આ પ્રથમ બજેટમાં મધ્યમ વર્ગને લક્ષમાં રાખીને રાહતો આપી શકે છે. લોકસભાની ચૂંટણી પૂર્વે વચગાળાનું બજેટ રજૂ કર્યા બાદ તત્કાલીન નાણામંત્રી પીયૂષ ગોયલે કહ્યું હતું કે આ તો એક ટ્રેલર છે અને જ્યારે જુલાઈમાં સંપૂર્ણ બજેટ રજૂ કરાશે ત્યારે તેમાં મધ્યમ વર્ગને ધ્યાનમાં રખાશે. હવે તેઓની સરકાર આ બોલેલું પાળી શકે છે. દરમિયાન નાણામંત્રાલયે સંપૂર્ણ બજેટ સંબંધે ઉદ્યોગ અને અર્થશાત્રીઓ સાથે સલાહમસલત શરૂ કરી દીધી છે. 
જુલાઈમાં સંપૂર્ણ સમયનું બજેટ રજૂ થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વચગાળાના બજેટમાં રૂા. 5 લાખ સુધીની આવક પર આવકવેરાની છૂટ અપાઈ હતી. હવે આને જાળવી રાખી શકાય છે. આ ઉપરાંત સંપૂર્ણ બજેટમાં મધ્યમ વર્ગ માટે આવકવેરાના સ્લેબમાં ફેરફાર કરી શકાય છે. આવકવેરા રોકાણની મર્યાદામુક્તિ રૂા. 1.50 લાખથી પણ વધારી શકાય છે. 50 વર્ષથી ચાલી આવેલાં આ ધારા-ધોરણમાં બદલાવ આણી શકાય છે. સરકારે આને માટે અલગ ટાસ્ક ફોર્સની રચના કરી છે. આ ટાસ્ક ફોર્સ 31 મેના પોતાનો રિપૉર્ટ સુપરત કરી શકે છે અને તેમાં કરાયેલ સૂચનોને બજેટમાં લાગુ કરી શકાય છે. આધારને કેવાયસીને માટે લાગુ કરી શકાય છે. સુપ્રીમ કોર્ટના આદેશ પછી આધારનો પ્રયોગ બૅન્ક ખાતાં અને મોબાઈલ સીમ સહિત કેટલીય નાણાકીય અને ગેરનાણાકીય લેણદેણના વ્યવહાર માટે અનિવાર્ય રહ્યો નહોતા. આ પછી સરકાર એક ઠરાવ લઈને આવી હતી, જેમાં આધારનો પ્રયોગ કેવાયસી માટે કરવાની યોજના છે.
આ ઉપરાંત સિનિયર સિટિઝન માટે શરૂ કરાયેલી પેન્શન યોજનાની સમયમર્યાદાને 2020થી વધારીને 2024 સુધી કરી શકાય છે. આ યોજના તળે વરિષ્ઠ નાગરિક રૂા. 15 લાખ સુધીનું રોકાણ કરી શકે છે. પીએમ આવાસ યોજના હેઠળ હોમ લોન પર મળનારી સબસિડી યોજનાને પણ વધુ પાંચ વર્ષ માટે લંબાવી શકાય છે. અત્રે ધ્યાનમાં રાખવાનું કે પહેલી ફેબ્રુઆરીના રજૂ કરાયેલ વચગાળાના બજેટમાં પાંચ લાખ સુધીની કમાણી પર આવકવેરાની છૂટ અપાઈ હતી. વધુમાં સ્ટાન્ડર્ડ ડિડક્શનને રૂા. 40000થી વધારીને રૂા. 50000 સુધીનું કરી શકાય છે.

Published on: Sat, 25 May 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer