દેશમાં સર્વાધિક મતે બેઠક જીત્યા નવસારીના સાંસદ

દેશમાં સર્વાધિક મતે બેઠક જીત્યા નવસારીના સાંસદ
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 25: ગુજરાતમાં હાઇપ્રોફાઇલ અને વીઆઇપી બેઠક ગણાતી ગાંધીનગર લોકસભા બેઠક પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીનો રેકોર્ડ તોડી વધુ લીડથી જીત મેળવી છે. જો કે, ગુજરાતમાં ભાજપના જ બે ઉમેદવાર એવા છે કે જેઓએ અમિત શાહ કરતા પણ વધુ લીડથી જીત મેળવી છે. 
ગાંધીનગર બેઠક પર અમિત શાહે કૉંગ્રેસના ઉમદેવાર સી. જે. ચાવડાને 5,57,014 મતથી માત આપી છે, જે વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપના વરિષ્ઠ નેતા એલ. કે. અડવાણી 4,83,121 મતના માર્જિનથી જીત્યા હતા એટલે ગાંધીનગર બેઠક પર અત્યાર સુધીમાં સૌથી વધુ લીડથી જીત મેળવનારા અમિત શાહે રેકોર્ડ બનાવ્યો, પરંતુ આ વખતની ગુજરાતની 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપના બે ઉમેદવારોએ રાષ્ટ્રીય અધ્યક્ષ કરતા પણ વધુ માર્જિનથી જીત મેળવી છે, જેમાં પ્રથમ નવસારીના ઉમેદવાર સી. આર. પાટીલે કૉંગ્રેસના ઉમેદવાર ધર્મેશ પટેલને 6,89,668 
મતથી હરાવ્યા. તો વડોદરાના ભાજપના ઉમેદવાર રંજના ભટ્ટે કૉંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલને 5,87,825 મતથી હરાવ્યા છે.
વડોદરા એ બેઠક છે કે જ્યાં વર્ષ 2014ની લોકસભામાં વડા પ્રધાન મોદી ચૂંટણી લડયા હતા, એ વખતે તેઓ 5,70,128 મતની લીડથી જીત્યા હતા.
અહીં ઉલ્લેખ કરવો ઘટે કે પાટીલ મૂળ જલગાંવના છે, પણ તેમના પિતા નોકરીની શોધમાં 1950માં ગુજરાત આવ્યા હતા. આ પછી તેમણે ક્યારે પણ પાછા ફરીને જોયું નથી.
આ છતાં જલગાંવ અને ધુળેમાં તેઓનાં સગાંઓ છે અને પ્રસંગોપાત તેઓ ત્યાં હાજરી આપે છે.
 

Published on: Sat, 25 May 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer