રાહુલ ગાંધી રાજીનામાની આજે અૉફર કરશે

રાહુલ ગાંધી રાજીનામાની આજે અૉફર કરશે
`રોક શકે તો રોક લો'
નવી દિલ્હી, તા. 25 : સતત બે લોકસભા ચૂંટણીઓમાં ભૂંડી હારનાં કારણો પર વિચાર કરવા માટે કૉંગ્રેસ કારોબારી સમિતિની આજે બેઠક મળી રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પક્ષના અધ્યક્ષ રાહુલ ગાંધી આ હારની નૈતિક જવાબદારી લઈ રાજીનામાની અૉફર કરશે, પરંતુ તેને સ્વીકારવાના એંધાણ નહિવત્ છે. આ પહેલાં પક્ષમાં રાજીનામાનો દોર ચાલી રહ્યો છે.
ઉત્તર પ્રદેશના મોટા નેતા અને પ્રદેશાધ્યક્ષ રાજ બબ્બરે રાજીનામું આપી દીધું છે. બબ્બર ઉપરાંત ઓડિશા કૉંગ્રેસના અધ્યક્ષ નિરંજન પટનાયક અને કર્ણાટકમાં પ્રચાર સમિતિના અધ્યક્ષ એચ. કે. પાટીલે પણ રાજીનામાં મોવડીમંડળને મોકલ્યાં છે. અમેઠીમાં રાહુલની હાર પછી ત્યાંના જિલ્લા અધ્યક્ષ યોગેન્દ્ર મિશ્રાએ પણ રાજીનામું આપી દીધું છે.
દરમિયાન પક્ષના એક ટોચના નેતાએ જણાવ્યું છે કે ચૂંટણી દરમિયાન કૉંગ્રેસે જે નકારાત્મક પ્રચાર ચલાવ્યો તેના કારણે તેને દારુણ પરાભવનું મોઢું જોવું પડયું છે. રાહુલનો નરેન્દ્ર મોદી સાથેનો ચોકીદાર ચોર હૈ પ્રચાર તદ્દન પ્રભાવહીન ઠર્યો છે.
આ પુલવામા હુમલો અને બાલાકોટ ઍર સ્ટ્રાઈક અંગે પક્ષે જે વલણ લીધું છે તે બૂમરેંગ થયું છે. પક્ષમાં વંશવાદને જે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે તેનો લોકોમાં મોટો સંદેશ ગયો છે.
જ્યારે આ બધા મુદ્દાઓનો ભાજપે સકારાત્મક પ્રચાર કરતા તેનો તેઓને ફાયદો થયો છે. લોકોએ ભાજપના ઉમેદવારોને નહીં પણ મોદીને મતો આપ્યા છે, જ્યારે ચૂંટણીમાં રાહુલનો કોઈ પણ પ્રભાવ જણાયો હતો નહીં. હવે તો તેઓ કૉંગ્રેસમાં અપ્રસ્તુત છે, પણ તેમના રાજીનામાને સ્વીકારવા કોઈ કૉંગ્રેસજન તૈયાર નહીં થાય.
દરમિયાન, ગુજરાત વિધાનસભાના વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ રાજીનામાની અૉફર કરી છે, તો બીજી બાજુ કેટલાક હોદ્દેદારોએ રાજીનામાં આપી દીધાં છે. આજે કૉંગ્રેસ કારોબારી સમિતિની બેઠકમાં ચૂંટણીનાં પરિણામોની સમીક્ષા કરાશે. બેઠકમાં યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધી, ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંઘ સહિત બીજા વરિષ્ઠ નેતા હાજર રહેશે.

Published on: Sat, 25 May 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer