આજે મોદી NDAના નેતા ચૂંટાશે

આજે મોદી NDAના નેતા ચૂંટાશે
પ્રમોદ મુઝુમદાર તરફથી
નવી દિલ્હી, તા. 25 : લોકસભા ચૂંટણીમાં જીતનું લક્ષ્ય મેળવ્યા બાદ શુક્રવારે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ પક્ષના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીને મળવા પહોંચ્યા હતા. મોદીએ પગે લાગીને એલકે અડવાણીના આશીર્વાદ લીધા હતા. જ્યારે મુરલી મનોહર જોશીએ ઉમળકાભેર મોદીને ગળે મળીને જીતની શુભેચ્છા આપી હતી. મોદીએ લોકસભા ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક જીતનો શ્રેય અડવાણીને આપ્યો છે. મોદીએ ટ્વિટર ઉપર લખ્યું હતું કે, અડવાણીજી જેવા મહાન નેતાઓએ પક્ષને મજબૂત બનાવવા ઘણા દશકા કામ કર્યું અને લોકોને વૈચારિક રૂપે એક મજબૂત દ્રષ્ટિકોણ આપ્યો છે. 
મુરલી મનોહર જોશીની પ્રશંસા કરતા મોદીએ લખ્યું હતું કે, ડો. મુરલી મનોહર જોશી વિદ્વાન છે. ભારતીય શિક્ષણને વધુ સારૂ બનાવવા માટે તેમનું મહત્ત્વનું યોગદાન છે. મુરલી મનોહરે હંમેશા પક્ષને મજબૂત બનાવવા માટે કામ કર્યું અને મારા જેવા કાર્યકર્તાઓને તેમનામાંથી માર્ગદર્શન મળ્યું છે.
પૂર્વ ભાજપ પ્રમુઅ મુરલી મનોહર જોશીએ મોદી સાથે મુલાકાત બાદ કહ્યું હતું કે, દેશ સામે એક મજબૂત સરકાર બનાવવાની જરૂરિયાત ઉભી થઈ રહી હતી. દેશ સામે નરેન્દ્ર મોદી સિવાય અન્ય કોઈ વિકલ્પ નહોતો અને હવે અમિત શાહ અને પીએમ નરેન્દ્ર મોદી લોકોની જરૂરિયાતો પૂરી કરે તેવી મારી ઈચ્છા છે. પક્ષમાં પોતાના ભવિષ્ય અંગે મુરલી મનોહર જોશીએ કહ્યું હતું કે, તેઓ જે કરે છે તે કરતા રહેશે. પક્ષ શું કરવા માગે છે તે પક્ષ અધ્યક્ષ અને પીએમને ખબર.
દરમિયાન ભાજપની આગેવાની હેઠળના એનડીએના નવા ચૂંટાયેલા સાંસદોની આવતી કાલે સાંજે સંસદ ભવનના કેન્દ્રીય હૉલમાં બેઠક યોજાશે. જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ઔપચારિક રીતે પક્ષના સંસદીય દળના નેતા ચૂંટી કાઢવામાં આવશે. ત્યાર બાદ સરકારની રચનાની પ્રક્રિયા આગળ વધશે.
નરેન્દ્ર મોદી 28 મેના પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં મતદારોનો આભાર માનવા જશે અને 29 મેના માતાનાં આશીર્વાદ લેવા ગુજરાત જશે. 30મી મેના તેઓ વડા પ્રધાન તરીકે ફરી શપથગ્રહણ કરે એવી સંભાવના છે.
દરમિયાન મોદી આવતી કાલે અમદાવાદ જશે અને માતા હીરાબાના આશીર્વાદ લેશે.

Published on: Sat, 25 May 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer