ટીમ ઇન્ડિયાને મોટો ફટકો

ટીમ ઇન્ડિયાને મોટો ફટકો
ઘાયલ શિખર ત્રણ સપ્તાહ માટે ટીમથી બહાર

લંડન, તા. 11 : ટીમ ઈન્ડિયાના મિશન વર્લ્ડકપને મોટો ફટકો પડયો છે અને ઓસ્ટ્રેલિયા સામેની મેચ દરમ્યાન અંગૂઠામાં થયેલી ઈજાને લીધે સ્ટાર ઓપનર શિખર ધવન ત્રણ સપ્તાહ માટે ટીમથી બહાર થઈ ગયો છે. ઓસી સામે મેચવિજેતા સદી ફટકારનારા ધવનને અંગૂઠામાં ફ્રેક્ચર હોવાનું આજે કરાયેલા સ્કેનમાં બહાર આવ્યું હતું અને તબીબોએ તેને ત્રણ સપ્તાહ આરામ કરવાની સલાહ આપી છે અને તે 13મીએ ન્યૂઝીલેન્ડ સામે આયોજિત અને સંભવત : 16મીએ પરંપરાગત હરીફ પાકિસ્તાન સામે આયોજિત મેચમાં રમી શકશે નહીં એમ હેવાલો જણાવે છે. ધવનને સંપૂર્ણપણે ફિટ થવામાં એકાદ મહિનો પણ લાગી શકે છે અને તે કદાચ વર્લ્ડકપની બાકીની મેચોમાં ન રમી શકે તેવી પણ દહેશત છે. 
ઓસ્ટ્રેલિયા સામેની મેચ દરમ્યાન 9મી ઓવરમાં ઝડપી બોલર નેથન કુલ્ટર-નાઈલનો ઉછળતો દડો ધવનના હાથમાં લાગ્યો હતો. જો કે,પીડા છતાં ધવને બેટિંગ જારી રાખી હતી અને 109 દડામાં શાનદાર 117 રન કર્યા હતા. ધવન ઈજાને લીધે ફિલ્ડિંગમાં ઉતર્યો નહોતો અને તેના સ્થાને રવીન્દ્ર જાડેજાએ પૂરી 50 ઓવર ફિલ્ડિંગ કરી હતી. હવે તેને અંગૂઠામાં વાળ જેટલું ફ્રેક્ચર હોવાનું ખૂલ્યું છે. જો ધવનને ત્રણ સપ્તાહનો આરામ આપવામાં આવશે તો તે કિવી અને પાક ઉપરાંત અફઘાનિસ્તાન,વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડ સામેની ગ્રુપ મેચો પણ ચૂકી જશે. 
જો ધવન નહીં રમે તો તેના સ્થાને કોણ હશે તેની અટકળો શરૂ થઈ ગઈ છે. ટીમના સૂત્રોના જણાવ્યા અનુસાર રાહુલને ઓપનિંગમાં મોકલવામાં આવશે અને મધ્ય હરોળ માટે શ્રેયસ ઐયરનું નામ મોખરે છે. જો કે, પ્રતિભાશાળી યુવા ખેલાડી રિષભ પંતનું નામ પણ બોલાઈ રહ્યું છે. 
આઈસીસીની મોટી સ્પર્ધાઓમાં શિખરનો દેખાવ શાનદાર રહ્યો છે ત્યારે તેને થયેલી ઈજા ભારત માટે ખરેખર ફટકારૂપ છે.
Published on: Wed, 12 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer