દરિયાપારની હૂંફે નિફ્ટીમાં 43 પોઇન્ટનો સુધારો

દરિયાપારની હૂંફે નિફ્ટીમાં 43 પોઇન્ટનો સુધારો
ક્ષેત્રવાર મોટા ભાગના સૂચકાંક ઓછાવત્તા સુધર્યા
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 11 ?: અમેરિકા-ચીનનું વેપાર સંઘર્ષના લાંબા સમયના આંચકા પચાવીને વૈશ્વિક સ્તરે તમામ મુખ્ય શૅરબજારોમાં સુધારાનો પવન ફૂંકાયો હતો પણ સ્થાનિકમાં તે થોડો ધીમો જણાયો હતો. અમેરિકાથી એશિયાનાં તમામ બજારોમાં સંગીન સુધારા સામે સ્થાનિકમાં એનએસઈ ખાતે નિફ્ટી 43 પોઇન્ટના સામાન્ય સુધારે 11,966 બંધ રહ્યો હતો. જોકે, છેલ્લા પખવાડિયામાં નિફ્ટી આજે ત્રીજીવાર 12,000ના આંકડાને સ્પર્શ્યો હતો. બીએસઈ ખાતે સેન્સેક્ષ આજે ફરી 40000ને અડકીને 166 પોઈન્ટના સુધારે 39,950 બંધ રહ્યો હતો. નિફ્ટીના અગ્રણી શૅરમાંથી 32 વધીને 17 ઘટીને બંધ હતા. નિફ્ટીના મુખ્ય ક્ષેત્રવાર સૂચકાંકમાં એફએમસીજી અને ફાર્મા સિવાય તમામ ઇન્ડેક્સ ઓછાવત્તા વધ્યા હતા. બીએસઈના મુખ્ય 23 શૅર સુધરવા સામે 7 ઘટીને બંધ રહ્યા હતા. બીએસઈ ખાતે મીડકેપ ઇન્ડેક્સ 118 અને સ્મોલ કેપ 34 પોઇન્ટ વધ્યા હતા.
વૈશ્વિક બજારમાં ક્રૂડતેલના ભાવ પુન: વધતાં સ્થાનિકમાં રિફાઇનરી અને વાહન શૅરની તેજીમાં ખાંચરો પડયો છે. આજે સુધરનાર મુખ્ય શૅરમાં આઈટી શૅરો પુન: ઝળકયા હતા. ટીસીએસ રૂા. 21, એચસીએલ ટેક રૂા. 17, બૅન્કિંગ શૅરો એસબીઆઈ રૂા. 3, આઈસીઆઈસીઆઈ રૂા. 5, યસ બૅન્ક રૂા. 4, ઇન્ડસઇન્ડ રૂા. 39, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ રૂા. 10, ઓએનજીસી રૂા. 5 અને યુપીએલમાં રૂા. 18નો સંગીન સુધારો હતો.
આજે ઘટનારા મુખ્ય શૅરોમાં ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ જાહેર નાણાંની કથિત ગેરરીતિના અહેવાલથી રૂા. 59 તૂટયો હતો. સનફાર્મા રૂા. 12, એમએન્ડએમ રૂા. 7, એચયુએલમાં રૂા. 7નો નોંધપાત્ર ઘટાડો થયો હતો. આજે પીએસયુ બૅન્કેક્સ 2 ટકા અને મીડિયા ઇન્ડેક્સ 1.5 ટકા સુધર્યો હતો. જોકે, વોલેટાલિટી ઇન્ડેક્સ 4 ટકા નીચે આવતા બજારની વધઘટ ધીમી રહી હતી.
વૈશ્વિક-એશિયાનાં બજાર
અમેરિકાનો મહત્ત્વનો સૂચકાંક નાસ્દાક 81 પોઇન્ટ વધીને બંધ હતો. એશિયામાં હૉંગકૉંગ ખાતે હેંગસેંગ 210 પોઇન્ટ અને શાંઘાઈ ઇન્ડેક્સ 74 પોઇન્ટ સુધર્યા હતા. જપાન ખાતે નિક્કી 70 પોઇન્ટ વધ્યો હતો.
Published on: Wed, 12 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer