બાણગંગા તળાવ અને મહાલક્ષ્મી મંદિર પરિસરની કાયાપલટની યોજના

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 11 : દક્ષિણ મુંબઈમાં સુપ્રસિદ્ધ મહાલક્ષ્મી મંદિર અને ઐતિહાસિક બાણગંગા તળાવની કાયાપલટ કરવામાં આવશે.
મહારાષ્ટ્રના ઉદ્યોગ પ્રધાન અને મુંબઈ શહેર જિલ્લાના પાલક પ્રધાન સુભાષ દેસાઈની અધ્યક્ષતા હેઠળ મળેલી બેઠકમાં મહાલક્ષ્મી મંદિર પરિસરમાં ભાવિકો માટે સભાગૃહ, પ્રતીક્ષા માટે ઓરડો, પગરખા મૂકવા સ્ટેન્ડ, સરકતા પગથીયા (એસ્કલેટર) બેસાડવા, મંદિર સુધી પહોંચવાના માર્ગને મોકળો કરવો તેમજ કોસ્ટલ રોડ પ્રશાસનને સમુદ્રકાંઠે રસ્તો બનાવવા વિનંતી કરવી વિશે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. મંદિર પસિરમાંની દુકાનોને એક કતારમાં કરવા માટે કામ હાથ ધરવામાં આવ્યું છે તેના માટે મુંબઈ પાલિકા ભંડોળ ઉપલબ્ધ કરાવી આપશે. મંદિરનો વહીવટ કરતા ટ્રસ્ટએ સ્વચ્છતાગૃહોની પુનબાંધણી કરવાનું સ્વીકાર્યું છે.
તીર્થસ્થાન બાણગંગા પરિસરના અતિક્રમણ પુરાતત્વ વિભાગ, પોલીસ અને પાલિકા દ્વારા કાઢવાનું સૂચન કરવામાં આવ્યું હતું. ભવિષ્યમાં અતિક્રમણ થાય નહીં એ માટે પગલાં ભરવાનું પુરાતત્વ ખાતાને કહેવામાં આવ્યું હતું.
બાણગંગા પરિસરના મંદિરોના જીર્ણોદ્ધાર અને તળાવની જાળવણી કરવાનું સૂચવાયું હતું. આ તળાવના પરિસરના ઝૂંપડાના વીજજોડાણ `બેસ્ટ' દ્વારા રદ કરવામાં આવે એવું સૂચવવામાં આવ્યું હતું. ઉપરાંત બાણગંગા તળાવના પાણીના શુદ્ધીકરણનું કામ શરૂ કરવા અંગે અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.
Published on: Wed, 12 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer