સૌરાષ્ટ્ર અને કચ્છ તરફ આગળ વધતું વાવાઝોડું કેવી રીતે સર્જાય છે?

ભાર્ગવ પરીખ તરફથી 
અમદાવાદ, તા. 11 : ગુજરાતના દરિયા કાંઠે વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે અને હવામાન ખાતાની આગાહી અને ઈસરોના મેપ પ્રમાણે આ વાવાઝોડું ભારે વરસાદ સાથે આવે એવી સંભાવના છે જેને પહોંચી વળવા સરકારે તાત્કાલિક પગલાં ભર્યાં છે પરંતુ આ વાવાઝોડું આવવાનું મુખ્ય કારણ અરબી સમુદ્રમાં સર્જાયેલો હવાના હળવા દબાણનો પટ્ટો છે  
ગુજરાતના હવામાન વિભાગના જયંત સરકારે `જન્મભૂમિ' સાથેની વાતચીતમાં કહ્યું કે ગુજરાતના સમુદ્રી કાંઠાથી 98  કિલોમીટર દૂર હવાનું પ્રેશર ઘટવાને કારણે વાવાઝોડું સર્જાઈ રહ્યું છે અને આ વાવાઝોડું સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે ફૂંકાશે અને 12 અથવા 13 તારીખે એની ત્રાટકવાની સંભાવના છે અને આ સમયે ભારે વરસાદ સાથે 40થી 60 કિલોમીટરની ઝડપે વાવાઝોડું ફૂંકાશે અને દરિયાનાં મોજાં 6 ફૂટ સુધી ઉછળી શકે એમ છે.  
ગુજરાતમાં 1998માં કચ્છમાં આવેલા ભયાનક વાવાઝોડા બાદ મોટું વાવાઝોડું નથી આવ્યું. 2006 , 2010 અને 2014માં ગુજરાતમાં વાવઝોડું આવવાની સંભાવના હતી અને એ ફંટાઈ ગયું હતું તો નબળું પડતાં એની અસર ઓછી થઇ ગઈ હતી. ઈસરોના ભૂતપૂર્વ વૈજ્ઞાનિક જે, રંગનાથને `જન્મભૂમિ' સાથે વાતચીતમાં કહ્યું કે સખત ગરમીને કારણે દરિયામાં હવાનું દબાણ ઘટવાને કારણે આ પ્રકારે વાવાઝોડું આવે છે જે ઉષ્ણ કટિબંધ ચક્રવાત કહે છે જેને અંગ્રેજીમાં ટ્રોપિકલ સાયક્લોન કહેવાય છે. આ વાવાઝોડું સર્જાવા પાછળનું મુખ્ય કારણ એ છે કે ગરમીના કારણે ગરમ હવા ઉપરની તરફ જાય છે અને હવાનું દબાણ ઘટવાને કારણે 50 થી 1000 માઇલમાં વાવાઝોડાનું સર્જન થાય છે. આ વાવાઝોડું ભારે વરસાદ સાથે આવે છે અને એ સમુદ્રમાંથી કલાકના 30 કિલોમીટરની ઝડપે દરિયાકાંઠા તરફ આવતું હોય છે અને તબાહી સર્જે છે. ક્યારેક એની તીવ્રતા દરિયામાં ઘટી જાય તો તબાહી સર્જે એવું બનતું નથી, જે વર્ષ 2006 ,2010 અને 2014માં થયું હતું. તે સમયે કચ્છ તરફ વાવઝોડુ આવવાનું હતું એ ફંટાઈ ગયું હતું તો 2006માં દક્ષિણ ગુજરાતમાં વાવઝોડું આવવાનું હતું એ પણ એની તીવ્રતા ઘટવાને કારણે અટકી ગયું હતું.  
આ વખતે આવી રહેલું વાવાઝોડું નોર્થ ઇસ્ટ તરફથી આવી રહ્યું છે એટલે તે કાઉન્ટર ક્લોકવાઈઝ વાવાઝોડું કહેવાય છે, જેમાં 90થી 130 કિલોમીટરની ઝડપે પણ પવન ફૂંકાવાની સંભાવના રહેલી છે. અલબત્ત અત્યારે જે વાવાઝોડું આવવાની સંભાવના છે એમાં અપાર સાયક્લોનના ફોટા જોતાં 60થી 72 કિલોમીટરની ઝડપે ભારે વરસાદ સાથે પવન ફુંકાય તેમ દેખાય છે પરંતુ હજુ ગુજરાતના દરિયા કાંઠાથી 98 કિલોમીટર દૂર છે. અત્યારે ગરમ હવા ઉપર ગઈ હોવાથી આ સ્થિતિ સર્જાઈ છે જેને `બરો ક્લિનિક' કહે છે. એટલે હવા ઝડપથી ફુંકાય છે પરંતુ એની બીજી દિશામાં ફંટાવવાની સંભાવના પણ છે પણ જો આ હવાનું ઓછું દબાણ બરો ટ્રોપિક બને તો તબાહી સર્જી શકે છે. 
Published on: Wed, 12 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer