11મા ધોરણના એડમિશન માટે કેન્દ્રીય બોર્ડના

 માત્ર લેખિત પરીક્ષાના માર્ક્સ ગણતરીમાં લેવાશે ?
 
મહારાષ્ટ્ર બોર્ડના વિદ્યાર્થીઓને અન્યાય ન થાય એ માટે સરકાર કેન્દ્ર સરકાર સાથે ચર્ચા કરશે
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 11 : મહારાષ્ટ્રમાં એસએસસી અને સીબીએસઈ- આઈસીએસઈના વિદ્યાર્થીઓ માટે 11મા ધોરણમાં પ્રવેશ પ્રક્રિયામાં સમાનતા લાવવા અંગે કેન્દ્રના માનવસ્રોત વિકાસ પ્રધાન અને સંબંધિત બોર્ડો સાથે ચર્ચા કરીને ટૂંક સમયમાં જ નિર્ણય લેવામાં આવશે એમ શિક્ષણપ્રધાન વિનોદ તાવડેએ જણાવ્યું છે.
વિનોદ તાવડેએ આજે લગભગ 15 જુનિયર કૉલેજોના સંચાલકો અને પ્રાચાર્યો, વાલીઓ, તેમ જ શિક્ષણ ખાતાના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં પ્રાચાર્યો અને વાલીઓએ સૂચન કર્યું હતું કે સીબીએસઈ-આઈસીએસઈ બોર્ડોના વિદ્યાર્થીઓના માત્ર લેખિત પરીક્ષાના માર્ક્સ જ ગ્રાહ્ય ધરવામાં આવે તો પ્રવેશપ્રક્રિયા સમાનસ્તરે લાવી શકાશે. તે સૂચનને પગલે તાવડેએ આ બાબતે કેન્દ્રના માનવસ્રોત વિકાસ પ્રધાન તેમ જ સીબીએસઈ-આઈસીએસઈ બોર્ડોના અધિકારીઓ સાથે આ મુદ્દે ચર્ચા કરીને ટૂંક સમયમાં નિર્ણય લેવાની ખાતરી ઉચ્ચારી છે.
તાવડેએ આજે પત્રકારોને જણાવ્યું હતું કે વાલીઓ અને જુનિયર કૉલેજોના પ્રાચાર્યોએ રજૂઆત કરી હતી કે મહારાષ્ટ્ર સરકારે મરાઠી અને અન્ય વિષયોમાં આંતરિક માર્ક્સને કુલ માર્ક્સમાં ઉમેરવાની પદ્ધતિ રદ કરી તેના કારણે તેઓનાં સંતાનોને પસંદગીની જુનિયર કૉલેજમાં પ્રવેશ મેળવવામાં મુશ્કેલી નડશે. જ્યારે સીબીએસઈ અને આઈસીએસઈના કુલ માર્ક્સમાં આંતરિક માર્ક્સનો સમાવેશ કરવામાં આવે છે. તે બાબત એસએસસીના વિદ્યાર્થીઓ માટે ગેરલાભ સમાન છે.
તાવડેએ પત્રકારોને જણાવ્યું હતું કે સીબીએસઈ જેવા બોર્ડોના માત્ર ચાર ટકા વિદ્યાર્થીઓ મહારાષ્ટ્રમાંની જુનિયર કૉલેજોમાં એડમિશન લે છે. મહારાષ્ટ્રમાં એસએસ બોર્ડના કેટલાક વિદ્યાર્થીઓના વાલીઓએ મારી સમક્ષ ફરિયાદ કરી છે કે મરાઠી અને અન્ય વિષયોમાં આંતરિક માર્ક્સને કુલ માર્ક્સમાં નહીં ઉમેરવાના નિર્ણયને કારણે અમારાં સંતાનોને પસંદગીની કૉલેજમાં પ્રવેશ મેળવવામાં મુશ્કેલી નડી રહી છે. તેનું કારણ સીબીએસઈ અને આઈસીએસઈ બોર્ડો દ્વારા વિદ્યાર્થીઓને આ પ્રકારે આંતરિક માર્ક્સ આપવાનું ચાલુ રાખવામાં આવ્યું છે આ અસમાનતા છે એવી રજૂઆત વાલીઓએ કરી હતી એમ તાવડેએ ઉમેર્યું હતું.
અહીં ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં દસમા ધોરણની પરીક્ષામાં મરાઠી ભાષામાં ચાર લાખ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે.
Published on: Wed, 12 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer