દેવેન્દ્ર ફડણવીસ શુક્રવારે પ્રધાનમંડળનું વિસ્તરણ કરશે

ભાજપના છ અને શિવસેનાના એક પ્રધાનનો સમાવેશ કરાશે
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 11 : મહારાષ્ટ્રના પ્રધાનમંડળનું આવતી 14મી જૂને વિસ્તરણ કરવામાં આવશે. પ્રધાનમંડળમાં સ્થાન મેળવવા માટે ભાજપ અને શિવસેનાના અનેક નેતાઓ ઉત્સુક છે.
ભાજપના નેતાઓ આશિષ શેલાર, સંજય કુટે, અતુલ સાવે અને પ્રશાંત બંબને સ્થાન મળી શકે છે એવી અટકળો કરવામાં આવી રહી છે. ભાજપ દ્વારા રાધાકૃષ્ણ વીખે-પાટીલને પ્રધાનપદું અપાશે એ લગભગ નિશ્ચિત છે. ભાજપવતીથી છ જણને પ્રધાનપદ આપવામાં આવે એવી સંભાવના છે. શિવસેનાવતીથી એક જ પ્રધાન શપથ લેશે. રાષ્ટ્રવાદી કૉંગ્રેસ છોડીને શિવસેનામાં જોડાયેલા જયદત્ત ક્ષીરસાગરને પ્રધાનપદ મળે એવી સંભાવના છે. રાષ્ટ્રવાદી કૉંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયેલા વિજયસિંહ મોહિતે અથવા રણજિત સિંહ મોહિતે એ બેમાંથી કોઈ એકને જ પ્રધાનપદ મળી શકે છે. ભાજપની નીતિ છે કે એક પરિવારમાં એક જ વ્યક્તિને હોદ્દો આપવો. તેના કારણે વિજયસિંહ મોહિતેને રાજ્યપાલપદ આપવામાં આવી શકે છે.
Published on: Wed, 12 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer