સરકારી જમીનની ગેરકાનૂની ખરીદી

ધનંજય મુંડે વિરુદ્ધ પોલીસ કેસ થશે

ઔરંગાબાદ, તા. 11 (પીટીઆઈ) : બીડ જિલ્લામાં ગેરકાનૂની રીતે સરકારી જમીન ખરીદવા અંગે મુંબઈ વડી અદાલતે રાષ્ટ્રવાદી કૉંગ્રેસના આગેવાન અને વિધાનપરિષદના વિપક્ષીનેતા ધનંજય મુંડે વિરુદ્ધ પોલીસને કેસ નોંધવાનો આદેશ આપ્યો છે. રાજાભાઉ ફડ દ્વારા નોંધાવવામાં આવેલી અરજી અંગે ન્યાયાધીશો ટી.વી. નલાવડે અને કે.કે. સોનાવણેની બનેલી ખંડપીઠે આ આદેશ આપ્યો હતો.
અરજદાર રાજાભાઉ ફડે જણાવ્યું હતું કે બીડ જિલ્લામાં આંબેજોગાઈ તાલુકામાં પસ ગામમાં સરકારી માલિકીની જમીન હતી. તે જમીન મહંતપદે રણજિત વ્યંકા ગીરી હતા ત્યારે બેલખાંડી મઠને ભેટ આપવામાં આવી હતી. આમ છતાં કાયદા અનુસાર સરકારી પરવાનગી વિના જમીન ટ્રાન્સફર કરી શકાય નહીં. જોકે ગીરીના અવસાન પછી તેમના વારસોએ જમીન પોતાના નામે ચઢાવી દીધી હતી. પોતે જ જમીનના માલિક છે એવો દાવો કરીને તેઓએ તે વિશે રાજ્ય સરકારને જાણ સુદ્ધાં કરી નહોતી.
બાદમાં આ જમીન ધનંજય મુંડેએ ખરીદી હતી. તેમણે વર્ષ 2012માં જનરલ પાવર અૉફ એટર્નીના નામે જમીન ખરીદી હતી. મુંડેએ જમીન માટે નોન-એગ્રીકલ્ચરલ સ્ટેટસ માટે અરજી કરી હતી અને તેમની અરજી મંજૂર થઈ હતી, એમ અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો.
રાજાભાઉ ફડએ બીડના બર્દાપુર પોલીસ સ્ટેશનને મુંડે તેમનાં પત્ની અને અન્યો વિરુદ્ધ ફોજદારી ગુનો નોંધવાની વિનંતી કરી હતી. આમ છતાં પોલીસ કાર્યવાહી શરૂ કરવામાં નિષ્ફળ ગઈ હતી. તેથી રાજાભાઉ ફડએ વડી અદાલતનો આશરો લીધો હતો.
Published on: Wed, 12 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer