ચોમાસામાં વધુ પાણી ભરાય એ પહેલાં લોકોને સલામત સ્થળોએ પહોંચાડી શકાશે

મુંબઈ, તા. 11 (પીટીઆઈ) : મુંબઈગરાને આ વખતે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યાને કારણે હેરાન થવું નહીં પડે. વરસાદ દરમિયાન પાણી ભરાવાની સમસ્યામાંથી રાહત આપવા માટે પાલિકાએ નવી પદ્ધતિ શરૂ કરવાની તૈયારી શરૂ કરી છે. તે અનુસાર હવે વધુ પાણી ભરાય તે પહેલાં જ લોકોને સલામત સ્થળે પહોંચવાનો સંદેશ મોકલવામાં આવે છે. આ માહિતી કામચલાઉ રાહતસ્થળ, હૉસ્પિટલ, ફૂડપેકેટ અને `બેસ્ટ'ને આપવામાં આવશે.
વરસાદમાં સામાન્યપણે  કમર સુધી પાણી ભરાય પછી લોકોને ઘરમાંથી બહાર કાઢીને સલામત સ્થળે ખસેડવામાં આવે છે. તેમાં કેટલીકવાર લોકો ફસાઈ જાય છે અને તેઓને નુકસાન સહન કરવું પડતું હોય છે.
આ સિસ્ટમ કેવી રીતે કામ કરશે?
મુંબઈ પાલિકાએ ભારે વરસાદને કારણે પાણી ભરાવા જેવી સમસ્યાઓ પેદા થતી હોય એવા વિસ્તારોને અલગ તારવ્યા છે. ત્યાં પાણીની સપાટી વધે પછી ત્યાંના રહેવાસીઓને પાલિકા સલામત સ્થળે ખસી જવાની સૂચના આપશે. સંબંધીત એનજીઓને પણ ફૂટ પેકેટ વગેરેની વ્યવસ્થા કરવાનું કહેવામાં આવશે. મુંબઈગરાની અવરજવર માટે `બેસ્ટ' અને ખાનગી બસ ઓપરેટરોને પણ સિસ્ટમ દ્વારા તૈયાર રહેવાનું કહેવામાં આવશે. આ સિસ્ટમનો ઉપયોગ મીઠી નદી સહિત ચાર નદીઓ તેમ જ પાણી ભરાય એવાં સ્થળો માટે કરવામાં આવશે. 
સંદેશ કેવી રીતે મોકલવામાં આવશે?
મુંબઈ પાલિકા સંબંધિત વિસ્તારમાં રહેતા લોકોને સંદેશ આપવા માટે સરકારી ટેલિકોમ કંપનીની સાથે વાતચીત કરી રહી છે. જોકે નાણાંની ચુકવણી સંબંધી મુદ્દે તે વાતચીત આગળ વધી નથી. પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું કે ટેલિકોમ કંપનીઓ સાથે ગોઠવણ નહીં થાય તો નગરસેવકો, એનજીઓ અને વોર્ડના વહીવટી તંત્ર દ્વારા સંદેશા મોકલશું.
ડાઉનલોડ કરો ઍપ
મુંબઈ પાલિકાએ નાગરિકોને Disaster Managment((MCGM) ઍપ ડાઉનલોડ કરવાનું કહ્યું છે. આ ઍપ મારફતે લોકોને વરસાદની જાણકારી અને સાથોસાથ વરસાદની સંભાવનાની વિગતો આપવામાં આવશે. ટ્રાફિક અને ભરતીની જાણકારી પણ મળશે. તમે પોતે મુશ્કેલીમાં છો એવો સંદેશ પરિવારજનોને મોકલી શકો છો. આસપાસની હૉસ્પિટલ, ફાયર સ્ટેશન અને રાતવાસો કરી શકાય એવાં આશ્રયસ્થાનો સહિત અન્ય સગવડોની જાણકારી મળી શકશે.
Published on: Wed, 12 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer