ભારતનું ઐતિહાસિક પગલું યુએનમાં કરી ઈઝરાયલની તરફેણ

મતદાનમાં બે દાયકા જૂના વલણથી વિપરીત જઈ ફિલિસ્તીની સંગઠન વિરુદ્ધ મત આપ્યો

નવી દિલ્હી, તા. 11 : પોતાના અગાઉના વલણથી વિપરીત જઈ એક અસાધારણ કદમમાં ભારતે સંયુક્ત રાષ્ટ્ર (યુએન)ની આર્થિક અને સામાજિક પરિષદ (ઈસીઓએસઓસી)માં ઈઝરાયલના સમર્થનમાં મતદાન કર્યું હતું. આ મતદાન સંયુક્ત રાષ્ટ્રમાં ફિલિસ્તીનના માનવાધિકાર સંગઠન `શહીદ'ને  નિરીક્ષકનો દરજ્જો આપવા માટે કરવામાં આવ્યું હતું.
ગત છઠ્ઠી જૂનના થયેલા મતદાન દરમ્યાન ઈઝરાયલના પક્ષમાં ભારત ઉપરાંત અમેરિકા,  ફ્રાન્સ, જર્મની, જાપાન, બ્રિટન, દક્ષિણ કોરિયા અને કેનેડાએ મત આપ્યો હતો. જ્યારે ચીન, રશિયા, સાઉદી અરબ, પાકિસ્તાન સહિતના અમુક દેશોએ ફિલિસ્તીની સંસ્થાની તરફેણમાં મતદાન કર્યું હતું. શહીદને સંયુક્ત રાષ્ટ્રમાં નિરીક્ષકનો દરજ્જો આપવાનો પ્રસ્તાવ 28-14ના અંતરથી રદ્ થયો હતો.
દરમ્યાન આ પહેલી વખત છે કે જ્યારે ભારતે બે દશક જૂના પોતાના સિદ્ધાંતથી કદમ પાછા ખેંચ્યા છે. અત્યાર સુધી ભારત ઈઝરાયલ અને ફિલિસ્તીન બંનેને અલગ અને સ્વતંત્ર દેશના રૂપમાં જોતું રહ્યું છે.
ભારતનું પહેલાંનું વલણ પશ્ચિમ એશિયામાં શાંતિ લાવવાના પ્રયાસ હેઠળ કાયમ હતું પરંતુ સંયુક્ત રાષ્ટ્રમાં બદલાયેલી પરિસ્થિતિમાં ભારતે ઈઝરાયલની તરફેણમાં મત આપવાનો નિર્ણય કર્યો હતો.
સમર્થન અંગે ઈઝરાયલે ભારતનો આભાર માન્યો હતો. ભારતમાં ઈઝરાયલના રાજદૂત માયા કદોષે ટ્વિટ સંદેશમાં જણાવ્યું હતું કે યુએનમાં ઈઝરાયલની સાથે રહેવા અને નિરીક્ષકનો દરજ્જો હાંસલ કરવાના આતંકવાદી સંગઠનના પ્રયાસને ફટકો આપવા બદલ ભારતનો આભાર.
Published on: Wed, 12 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer