અંતરિક્ષ યુદ્ધ માટે સજ્જ થશે ભારત

નવી એજન્સીની રચનાને કેન્દ્ર સરકારની બહાલી

નવીદિલ્હી, તા.11: અમેરિકા પછી હવે ભારતે પણ સ્પેસ વોર (અંતરિક્ષ યુદ્ધ)ની સંભાવના ધ્યાને રાખતા પોતાની સંરક્ષણ સજ્જતાને મજબૂત બનાવવાનો આરંભ કરી દીધો છે. મોદી સરકારે અવકાશમાં જંગનાં સંજોગોમાં સશત્ર દળોની તાકાત વધારવા માટે એક નવી એજન્સી બનાવવા માટે મંજૂરી આપી દીધી છે. આ એજન્સીનું નામ ડિફેન્સ સ્પેસ રીસર્ચ એજન્સી(ડીએસઆરઓ) રાખવામાં આવ્યું છે. જે અદ્યતન શત્રો અને ટેકનોલોજી વિકસિત કરવાનું કાર્ય કરશે.
સંરક્ષણ સૂત્રોના હવાલેથી મળતા અહેવાલો અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સુરક્ષા બાબતોની કેબિનેટ સમિતિ (સીસીએસ)ની બેઠકમાં આના માટે મંજૂરી આપવામાં આવી હતી. આ નવી એજન્સી ડીએસઆરઓ ઉપર અવકાશી શત્ર-સરંજામ અને ટેકનોલોજી તૈયાર કરવાની જવાબદારી રહેશે. નોંધનીય છે કે અમેરિકા તો અગાઉ જ 2020 સુધીમાં અંતરિક્ષ સેના તૈયાર કરવાની ઘોષણા કરી ચૂકેલું છે. અમેરિકાનાં આ નિર્ણય પછી ચીનની બેચેની વધી ગઈ છે. એવું માનવામાં આવે છે કે હવે ચીન પણ આ દિશામાં આગળ વધવાની તૈયારી શરૂ કરશે. રશિયા પણ તેમાં પાછળ નહીં રહે ત્યારે ભારતે આ માર્ગ ઉપર આગેકદમ કરી સમયસૂચકતા વાપરી છે.
Published on: Wed, 12 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer