દેશમાં સૌથી વધુ મુંબઈમાં 41 ટકા મહિલા પ્રવાસી ટ્રેનમાં પ્રવાસ કરે છે

મુંબઈ, તા. 11 : દેશનાં અન્ય શહેરોની સરખામણીમાં મહાનગર મુંબઈમાં પરાંની ટ્રેનોમાં સૌથી વધારે મહિલા પ્રવાસીઓ પ્રવાસ કરે છે.
એક ડિજિટલ માર્કેટિંગ કંપનીએ દેશનાં 26 રેલવે સ્ટેશનોએ 12,854 પ્રવાસીઓનો પ્રતિસાદ જાણ્યો હતો.
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં દૈનિક ટ્રેન પ્રવાસીઓમાં 41 ટકા મહિલાઓ હોય છે. જે 35 ટકાની રાષ્ટ્રીય સરેરાશથી વધુ છે. જ્યારે બેંગ્લોરમાં આ ટકાવારી 39 અને દિલ્હીમાં 37 રહી હતી. એવી જ રીતે મુંબઈમાં સૌથી વધુ 63 ટકા પ્રવાસીઓ 20થી 35 વર્ષની વય જૂથના યુવાનો હોય છે જ્યારે 35થી 50 વર્ષના માત્ર 15 ટકા અને 50 વર્ષથી વધુ વયના માત્ર 11 ટકા પ્રવાસીઓ લોકલમાં પ્રવાસ કરે છે.
જ્યારે બેંગ્લુરુ, હૈદરાબાદ અને નવી દિલ્હીમાં માત્ર 35 ટકા પ્રવાસીઓ 20થી 35 વર્ષની વય જૂથના હોય છે.
આ ઉપરાંત મુંબઈના નોકરિયાત વર્ગમાંથી 82 ટકા લોકો પરાંની ટ્રેનોમાં પ્રવાસ કરે છે. જે આંકડો પણ દેશમાં સૌથી વધુ છે.
`વ્યોમા' નામની માર્કેટિંગ કંપનીએ કરેલા સર્વેક્ષણમાં એવું પણ જણાવ્યું હતું કે મુંબઈમાં પરાંની ટ્રેનોનો ઉપયોગ કરતા લોકોમાંથી 36 ટકા પ્રતિ માસ 40,000 રૂપિયાથી વધુ કમાય છે. 21 ટકા લોકો 30,000થી 40,000 રૂપિયાની વચ્ચે કમાય છે. લગભગ 23 ટકા 20,000થી 30,000 રૂપિયા અને 19 ટકા લોકો 10,000થી 20,000 રૂપિયા માસિક કમાય છે.
Published on: Wed, 12 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer