બૅન્કના બેઝિક સેવિંગ્ઝ ખાતાધારક મહિનામાં માત્ર ચાર જ ઉપાડ કરી શકશે

મુંબઈ, તા. 11 : રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયાએ સોમવારે જણાવ્યું હતું કે કમર્શિયલ બૅન્કોએ `બેઝિક સેવિંગ્ઝ બૅન્ક ડિપોઝિટ' (બીએસબીડી) ખાતા ધારકોને એક મહિનામાં લઘુતમ ચાર વખત ખાતામાંથી રકમ ઉપાડવા દેવી. જેમાં એટીએમમાંથી થતી ઉપાડનો પણ સમાવેશ થશે. આ નિયમ આગામી 1લી જુલાઈથી લાગુ પડશે.
આરબીઆઈએ અગાઉ 2012ની 10અૉગસ્ટે આપેલા આદેશમાં પણ જણાવ્યું હતું કે બીએસબીડી ખાતામાં રકમ જમા કરાવવાની સંખ્યા પર કોઈ મર્યાદા નહીં હોય અને ખાતાધારકો એટીએમ સહિતની મહિનામાં ચાર ઉપાડ કરી શકશે. આર્થિક રીતે નબળા વર્ગો માટે બચત ખાતાઓની જેમ જ આવા બીએસબીડી ખાતાં ખોલવાની છૂટ આપવામાં આવી છે. જેમાં કેટલીક સુવિધાઓ વિનામૂલ્ય પૂરી પાડવામાં આવે છે.
આવાં ખાતાઓ ખોલાવતી વેળા કે એ પછી પણ ખાતામાં અમુક ચોક્કસ લઘુતમ બેલેન્સ રાખવાની કોઈ જરૂર નથી. તેમ જ ખાતેદારોને એટીએમ કમ ડેબિટ કાર્ડ પણ કોઈ ફી વિના આપવામાં આવે છે. આ ઉપરાંત ખાતામાં પૈસા ભરવા કે કઢાવવા માટે પણ કોઈ ચાર્જ નથી. ખાતું સક્રિય ન હોય કે તેને ફરી સક્રિય કરાવવા માટે પણ બૅન્ક કોઈ ચાર્જ વસૂલી શકે નહીં.
આરબીઆઈએ વધુમાં જણાવ્યું છે કે બૅન્કો આવા ખાતેદારોને વધારાની `વૅલ્યુ એડેડ' સેવાઓ પણ પૂરી પાડી શકે છે.
જોકે એ સેવાઓ લેવી કે નહીં એ ખાતેદારની મુનસફી પર છે. આમ છતાં આવી વધારાની સેવાઓ મેળવનારા ખાતેદારોને પણ બૅન્ક લઘુતમ બેલેન્સ જાળવી રાખવાનું જણાવી શકશે નહીં.
Published on: Wed, 12 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer