હવાઈદળના લાપતા વિમાનનો કાટમાળ અરુણાચલપ્રદેશના સિયાંગમાં દેખાયો

હવાઈદળના લાપતા વિમાનનો કાટમાળ અરુણાચલપ્રદેશના સિયાંગમાં દેખાયો
નવી દિલ્હી, તા. 11 : ભારતીય વાયુસેનાના ત્રણ જૂનથી લાપતા બનેલા વિમાન એએન-32નો કાટમાળ આઠ દિવસ બાદ અરુણાચલપ્રદેશના સિયાંગ જિલ્લામાં દેખાયો છે. ભારતીય વાયુસેનાએ આ અંગે સમર્થન આપ્યું છે. ઉલ્લેખનીય છે કે ત્રીજી જૂનના આ વિમાને 13 સવાર સાથે આસામના એરબેઝથી ઊડાન ભરી હતી અને તેનો છેલ્લી વખત સંપર્ક એ જ દિવસે બપોરે આશરે એક વાગ્યે થયો હતો.
અરુણાચલપ્રદેશના સિયાંગ જિલ્લાના એક ગામમાં ભારતીય વાયુસેનાના ચોપર એમઆઈ-17ને વિમાનના કાટમાળ જેવું દેખાયા બાદ વાયુસેનાએ અરુણાચલપ્રદેશ પોલીસને આ અંગે જાણ કરી હતી.
વિમાનના લાપતા થયા બાદથી જ ભારતીય વાયુસેનાનું ચોપર એમઆઈ-17 વિસ્તારમાં શોધખોળમાં લાગ્યું હતું. આજે બપોરે સિયાંગ જિલ્લાના ગેટ ગામ પાસે એમઆઈ-17ને વિમાનના કાટમાળ જેવું કાંઈક દેખાયું હતું. આ પછી વાયુસેનાએ તેને લાપતા વિમાન એએન-32નો કાટમાળ જાહેર કર્યો હતો.
વાયુદળે ટ્વિટર પર જણાવ્યું હતું કે લાપતા એએન-32 વિમાનનો કાટમાળ લિપોથી 16 કિલોમીટર દૂર દેખાયો છે. એમઆઈ-17 હેલિકોપ્ટરને શોધ અભિયાન દરમ્યાન આશરે 12 હજાર ફૂટની ઊંચાઈએ ટાટોના ઉત્તર-પૂર્વમાં આ કાટમાળ મળ્યો હતો.
કાટમાળ મળી આવ્યા બાદ હવે વાયુસેના ગ્રાઉન્ડ ટીમ મારફતે વિમાનમાં સવાર લોકોની સ્થિતિ વિશે જાણકારી મેળવશે. વાયુસેનાએ ગ્રાઉન્ડ ટીમને વિમાનનો કાટમાળ મળી આવ્યા બાદ તેમાં સવાર રહેલા 13 જણ અંગે તપાસ કરવાનો આદેશ આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ત્રીજી જૂનના આસામના એરબેઝથી ઊડાન ભર્યા બાદક્રૂ સભ્ય અને વાયુસેનાના 13 લોકો સાથેનું એએન-32 વિમાન અરુણાચલપ્રદેશના મેચુકા એડવાન્સ્ડ લેન્ડિંગ ગ્રાઉન્ડ જઈ રહ્યું હતું.
Published on: Wed, 12 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer