આજે મધરાતે વાયુ વાવાઝોડું સૌરાષ્ટ્ર પર ત્રાટકશે તંત્ર સાબદું

આજે મધરાતે વાયુ વાવાઝોડું સૌરાષ્ટ્ર પર ત્રાટકશે તંત્ર સાબદું
વાવાઝોડું 130 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે વેરાવળ અને દીવ વચ્ચેથી પસાર થશે

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.11: ગુજરાત નજીક સમુદ્રમાં ઉદ્દભવેલું `વાયુ' નામનું વાવાઝોડું આવતીકાલ તા.12મીને બુધવારે મધરાતના ત્રણ વાગ્યાની આસપાસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના સાગરકાંઠે ટકરાશે. વાવાઝોડાંના પગલે 90 થી 100 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે અને પાંચ થી સાત ઈંચ સુધી વરસાદ વરસવાની સંભાવના પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. વાવાઝોડું 130 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે વેરાવળ અને દીવ વચ્ચેથી પસાર થશે.
હવામાન વિભાગના ડાયરેકટર જયંત સરકારે જણાવ્યું હતુ ંકે, 13 જૂનના વહેલી સવારે વાયુ વાવાઝોડું પોરબંદર મહુવાને હીટ કરીને વેરાવળ અને દીવ વચ્ચેથી ક્રોસ કરશે અને વાવાઝોડાની ઝડપ 130 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. જેના પગલે સૌરાષ્ટ્રના તમામ બંદરો ઉપર બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. વેરાવળથી વાયુ વાવાઝોડાનું અંતર જે 740 કિલોમીટર હતું તે હવે ઘટીને 680 કિલોમીટર થયું છે.
તેમણે કહ્યું કે, વાવાઝોડાના કારણે ભારે વરસાદ પડવાની શક્યતા છે અને જેમ જેમ વાવાઝોડું આગળ વધશે તેમ તેમ વરસાદનું જોર પણ ઘટતું જશે. એટલું જ નહીં દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી શકે છે. વાયુ વાવાઝોડું સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારા જેવા કે ભાવનગર, અમરેલી, દીવ, જામનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, સોમનાથ અને કચ્છને અસર કરશે. 
જયંત સરકારે વધુમાં જણાવ્યું હતુ કે, અમે ગુજરાત સરકાર સાથે સતત સંપર્કમાં છીએ. અમે સરકારને આ અંગેની માહિતી આપી દીધી છે અને સરકારે તમામ કાર્યવાહી શરૂ કરી દીધી છે. તેમણે એમ પણ કહ્યું કે, ગયા વખતે નિલોફર જેમ પાકિસ્તાન તરફ ફંટાયું હતું તે આ વખતે વાયુ બીજી દિશામાં ફંટાય એવી શક્યતા નથી. સાથે સાથે વાવાઝોડાના પગલે ગુજરાતમાં વરસાદ પાછો ઠેલાય તેવી શક્યતા છે.
દરમિયાન, કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહે આજે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી અને વાવાઝોડું વાયુને કારણે ઉદ્ભવનારી પરિસ્થિતિને પહોંચી વળવા માટે સંબંધિત રાજ્ય અને કેન્દ્રનાં મંત્રાલયોની સુસજ્જતાની સમીક્ષા કરી હતી.
સમીક્ષા બાદ અમિત શાહે લોકોને સુરક્ષિતપણે ખસેડવા તથા વીજળી, સંદેશવ્યવહાર, સ્વાસ્થ્ય અને પીવાના પાણી જેવી તમામ આવશ્યક સેવાઓ જળવાઈ રહે એવું સુનિશ્ચિત કરવા શક્ય દરેક પગલાં લેવાનો વરિષ્ઠ અધિકારીઓને નિર્દેશ આપ્યો હતો.
Published on: Wed, 12 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer