સરકાર બે લાખ ટન તુવેરદાળનું વેચાણ કરશે

પુણે, તા. 12 : ફુગાવાને અંકુશમાં રાખવા સરકાર વિવિધ પગલાં લઈ રહી છે, જેમાં કઠોળના વધતા ભાવને ડામવા સરકાર તેના બફર સ્ટોકમાંથી બે લાખ ટન તુવેરદાળનું વેચાણ કરશે, એમ કેન્દ્રના ગ્રાહક બાબતોના અન્ન પુરવઠા ખાતાના પ્રધાન રામવિલાસ પાસવાને જાહેરાત કરી હતી.
આ માટે અત્યાર સુધી અમને આયાત કરવા દેવા માટે મળેલી અરજીઓની ચકાસણી કરી 10 દિવસમાં તેના લાઈસન્સ ઈસ્યૂ કરાશે એમ તેમણે વધુમાં જણાવ્યું હતું. 4થી જૂને સરકારે બે લાખ ટન તુવેરદાળની આયાત કરવા ઓર્ડર આપ્યો છે. ઉપરાંત સરકારે તુવેરની આયાતનો કવૉટા બે લાખ ટનથી વધારી 4 લાખ ટન જેવો બમણો કરવાનો નિર્ણય કર્યો છે.
સરકાર આ કૉમોડિટીઝમાં સટ્ટો તેમ જ થતી સંગ્રહાખોરી સામે તકેદારી રાખી રહી છે. વપરાશકારને આના સંબંધિત ગેરરીતિઓથી ભરમાવવાના પ્રયાસો સરકાર ચલાવી લેશે નહીં.
સરકાર પાસે કઠોળમાં 11.53 લાખ ટનનો બફર સ્ટોક છે. નાફેડ પાસે પ્રાઈસ સપોર્ટ સ્કીમ હેઠળ 27.32 લાખ ટનનો સ્ટોક છે. સરકાર પાસે કઠોળનો કુલ સ્ટોક 39 લાખ ટનનો છે. મોઝેમ્બિકની સરકાર સાથે જી2જીના એગ્રિમેન્ટ હેઠળ ભારત 1.75 લાખ ટન કઠોળની આયાત કરશે.
આ સાથે યાદ રાખવાનું કે સરકારે ભાવ વધવાના દરે ગઈ કાલે સવારે કાંદાની નિકાસ પરના પ્રોત્સાહનો પાછા ખેંચી લીધા હતા.
 

Published on: Wed, 12 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer