કોર્પોરેટ ટૅક્સ ઘટાડવા ભારતીય કંપની ઉદ્યોગની માગણી

નવી દિલ્હી, તા. 12 : ભારતીય કોર્પોરેટ ક્ષેત્રે ગઈ કાલે નાણાપ્રધાન સમક્ષ આગામી બજેટમાં દેશમાં આર્થિક નરમાઈને નિયંત્રણમાં લેવા માટે કોર્પોરેટ ટૅક્સમાં ઘટાડો કરવા, મિનિમમ અલ્ટરનેટિવ ટૅક્સને નાબૂદ કરવા, ડિવિડન્ડ ડિસ્ટ્રિબ્યુશન ટૅક્સને અડધો કરી 10 ટકા કરવા અને ઈન્ફ્રાસ્ટ્રકચર સેકટર માટેના ખર્ચમાં વધારો કરવાની રજૂઆત કરી હતી.
નાણાપ્રધાન નિર્મલા સીતારામન સાથે બજેટ અગાઉની ચર્ચા-વિચારણા માટેની બેઠક દરમિયાન દેશના ઉદ્યોગ સંગઠનોએ આ ભલામણો કરી હતી. નાણાપ્રધાને દેશમાં બિઝનેસ માટેના વાતાવરણને સુધારવા માટે 2014થી અત્યાર સુધીમાં સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાં યાદ કર્યા હતા.
સીતારામન આગામી સાત જુલાઈના મોદી સરકારના બીજા શાસનકાળનું પ્રથમ કેન્દ્રીય બજેટ સંસદમાં રજૂ કરશે.
આ બેઠકમાં સીઆઈઆઈના પ્રૅસિડન્ટ વિક્રમ કિર્લોસ્કરે ભલામણ કરી હતી કે ડિવિડન્ડ ટૅકસનો દર હાલમાં જે 20 ટકા છે તે ઘટાડીને 10 ટકા કરવામાં આવે. સીતારામને તેમની ટિપ્પણીમાં જણાવ્યું હતું કે 2014 પછી સરકારે હાલમાં અસ્તિત્વ ધરાવતા કાયદાને સરળ અને તર્કસંગત બનાવવા માટે પગલાં ભર્યાં છે તેમ જ ગવર્નન્સને વધારે સક્ષમ બનાવવા માટે મોટા પાયે ઈન્ફોર્મેશન ટેક્નૉલૉજીને લાગુ કરી છે.
તેમણે એમ પણ જણાવ્યું હતું કે તેના કારણે ભારતે `ડુઈંગ બિઝનેસ'ના મોરચે સતત સુધારો દર્શાવ્યો છે.

Published on: Wed, 12 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer