મેમાં જ્વેલરીની નિકાસ ઝમકવિહોણી

મુંબઈ, તા. 12 : જેમ્સ ઍન્ડ જ્વેલરીની નિકાસ ગયા મહિને 12.9 ટકા ઘટીને 3.17 અબજ ડૉલર (રૂા. 22,000 કરોડ)ની રહી હતી, જે 2018ના મે મહિને 3.64 અબજ ડૉલરની નોંધાઈ હતી. આ નાણાકીય વર્ષના પ્રથમ બે માસ (એપ્રિલ-મે)માં આ નિકાસમાં ઘટાડો 9.1 ટકા એટલે 6.1 અબજ ડૉલર (રૂા. 42,300 કરોડ) રહી હતી, એમ જેમ ઍન્ડ જ્વેલરી એકસ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલના ડેટા પરથી જાણી શકાય છે.
કટ અને પૉલિશ્ડ હીરાની નિકાસ મેમાં 15.1 ટકા ઘટી 1.9 અબજ ડૉલરની નોંધાઈ હતી, તો સોનાના આભૂષણની નિકાસ 14.3 ટકા ઘટી એક અબજ ડૉલર આસપાસ રહી હતી. જીજેઈપીસીના વાઈસ-ચૅરમૅન કોલીન શાહના જણાવ્યા મુજબ પૉલિશ્ડ હીરા અને સોના પરની ઊંચી કસ્ટમ્સ ડયૂટી ઉપરાંત સ્પેશિયલ ઈકોનોમિક ઝોન્સમાં બિઝનેસ ધીમો પડવા માટે ભારત ડાયમંડ બુઅર્સ ખાતે કસ્ટમ્સની સમસ્યા તેમ જ અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડવોર લઈને વૈશ્વિક આર્થિક સ્થિતિની અનિશ્ચિતતા પણ આ માટેના અસરકારક કારણોમાં ગણાય છે. વધુમાં ભારતમાં નાણાકીય કઠિણાઈ પણ મહત્ત્વનું કારણ રહ્યું છે.
કસ્ટમ્સ વિભાગે રફ હીરાની આયાત માટેનો અહેવાલ માગ્યો છે, જેના પરિણામે કન્સાઈનમેન્ટની મંજૂરી થોડા સપ્તાહો માટે અટવાઈ રહી. આયાતકારોએ હવે પ્રથમ આ `િક્લયર' કરવાનું શરૂ કર્યું છે. વધુમાં નિકાસકારો 2019-'20માં બૅન્કોનો અભિગમ સહકારપૂર્ણ રહેવાની આશા રાખતા હતા, પણ તે સ્થિતિમાં મોટો ફરક પડયો નથી. 

Published on: Wed, 12 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer