વેરાવળ ભણી 150 કિ.મી. ઝડપે આગળ વધતું વાવાઝોડું

વેરાવળ ભણી 150 કિ.મી. ઝડપે આગળ વધતું વાવાઝોડું
દ. ગુજરાત, દીવ અને સૌરાષ્ટ્રમાં કેટલાંક સ્થળે ધોધમાર વરસાદ
જૂનાગઢ, તા. 12 : અરબી સમુદ્રમાં વેરાવળથી 650 કિલોમીટર દૂર કેન્દ્રિત થયેલું વાવાઝોડું વાયુ 140થી 150 કિલોમીટરની સ્પીડથી આગળ વધી રહ્યું છે. 12મી જૂનની મધરાતે અને 13મીના પરોઢે વેરાવળથી દીવ વચ્ચેના દરિયાકાંઠે 165 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ત્રાટકે તેવી સંભાવના છે. વાયુ વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્ર- કચ્છના 11 જિલ્લા કચ્છ, ભાવનગર, અમરેલી, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ ઉપરાંત દીવને પણ અસર પહોંચવાની સંભાવના છે, જ્યારે વાવાઝોડાના પગલે અત્યારે દક્ષિણ ગુજરાત, દીવ અને સૌરાષ્ટ્રમાં કેટલાંક સ્થળે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જ્યારે ગુજરાતના બાકીના વિસ્તારમાં છાંટા પડયા હોવાના અને વાતાવરણમાં પલટો આવ્યોના અહેવાલ છે. 
વાવાઝોડાના પગલે અત્યારથી વેરાવળના દરિયામાં ઊંચા મોજા ઊછળી રહ્યા છે. સંભવત: આજે મોડી રાતે વાવાઝોડું વાયુ વેરાવળના દરિયાને ટકરાશે, જેને પગલે ગીર સોમનાથ જિલ્લાનું વહિવટી તંત્ર સ્ટેન્ડ ટુ છે. અહીં એનડીઆરએફની ટીમ પહોંચી ગઈ હતી. 
આ તરફ વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા તથા જાનમાલનું ઓછામાં ઓછું નુકસાન થાય તે માટે રાજ્ય સરકારે બેઠકો યોજી હતી. મુખ્ય મંત્રી અને મુખ્ય સચિવ દ્વારા સમીક્ષા બેઠકો બોલાવાઈ હતી. ઉપરાંત કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ અને કૅબિનેટ સચિવ દ્વારા પણ બેઠકો યોજી જરૂરી તમામ વ્યવસ્થા ગોઠવવા કવાયત કરી હતી. કેન્દ્ર સરકારે અધિકારીઓની એક ટીમ પણ ગુજરાત મોકલી છે. વાવાઝોડાથી સંભવિત અસરગ્રસ્ત એવા 10 જિલ્લાઓમાં 12 અને 13 જૂન એમ બે દિવસ તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. અધિકારી- કર્મચારીઓની રજાઓ રદ કરીને હેડ ક્વાર્ટર નહીં છોડવા તાકીદ કરાઇ છે. એનડીઆરએફની કુલ 35 ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં તૈનાત કરાશે. સાથે આર્મીની 34 ટીમોને સૌરાષ્ટ્ર-કચ્છ તરફ રવાના કરાઇ છે. ડીજીપી દ્વારા મરીન સિક્યોરિટી ફોર્સના જવાનો અને એસડીઆરએફની 11 ટીમો રવાના કરાઇ છે. રાહત- બચાવ કામગીરી માટે વિવિધ વિભાગો સાથે સંકલન કરવામાં આવી રહ્યું છે. 15 જેટલી બોટમાં 45 જેટલા માછીમારો પરત બોલાવવાની તજવીજ ચાલી રહી છે. 
દરમિયાન એનડીઆરએફ, એસડીઆરએફ, આર્મી, ઍરફોર્સ, નેવી, કોસ્ટ ગાર્ડ, રાજ્ય પોલીસ, મરીન પોલીસ, ફાયરબ્રિગેડ બચાવ-રાહત માટે તહેનાત કરવામાં આવ્યા છે, જ્યારે ઍરફોર્સના સી-17 વિમાનમાં એનડીઆરએફના 160 જવાનોને વિજયવાડાથી ગુજરાત ખસેડાશે અને 5 લાખથી વધુ ફૂડ પેકેટ્સ સૌરાષ્ટ્ર-કચ્છ મોકલાશે. એનડીઆરએફની વધારાની 20 ટીમ પૂના અને ભટીંડાથી ગુજરાત બોલાવાઇ છે.
વાવાઝોડાને લઈને દીવમાં ધીમા ધારે વરસાદ શરૂ થઈ ગયો છે. દીવમાં સવારથી જ કાળા ડિબાંગ વાદળો જોવા મળ્યા હતા. કડાકા ભડાકા અને તોફાની પવન સાથે ધોધમાર વરસાદ પડતા લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તેમ જ ઉનામાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થઈ ગયો છે. ભારે પવન સાથે વરસાદ શરૂ થતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. તેમ જ ધૂળની ડમરીઓ ઊડી રહી છે.
દીવના દરિયામાં આજે વહેલી સવારથી જ કરંટ જોવા મળ્યો છે અને ઊંચા મોજા ઊછળી રહ્યા છે. દીવનો દરિયો વાવાઝોડાને લઈને ગાંડોતૂર બન્યો છે.
દીવના દરિયાની જેમ પોરબંદર અને વેરાવળના દરિયામાં પણ કરંટ જોવા મળી રહ્યો છે, જ્યારે વેરાવળના દરિયામાં સવારથી જ ઊંચા મોજા ઊછળી રહ્યા છે. દરિયામાં મોજા ઊછળવાને કારણે તંત્ર પણ પૂરજોશમાં વાયુ વાવાઝોડાનો સામનો કરવા સજ્જ બન્યું છે.
અમરેલીના જાફરાબાદ પંથકમાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળ્યાં હતા અને વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો હતો. ગીર સોમનાથમાં પણ વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. કોડિનારમાં ધીમી ધારે વરસાદ શરૂ થતાં ઠંડક પ્રસરી ગઈ હતી. આ સાથે જ ધીમી ગતીએ પવન ફૂંકાવાની શરૂઆત પણ થઈ ગઈ હતી.
આજે દક્ષિણ ગુજરાતના સુરત-વાપી જિલ્લામાં એક વ્યક્તિ પર ઝાડ પડતા નીચે દબાઈ જતા તેમ જ બે મહિલાનું વીજળી પડતા મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. 

Published on: Wed, 12 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer