રીષભ પંત આજે ઇંગ્લૅન્ડ રવાના થશે

રીષભ પંત આજે ઇંગ્લૅન્ડ રવાના થશે
ઇજાગ્રસ્ત શિખર ધવનના કવર માટે બોલાવાયો

નવી દિલ્હી, તા.12: યુવા વિકેટકીપર-બેટ્સમેન રીષભ પંત વર્લ્ડ કપમાં ભારતીય ટીમમાં બેકઅપ ખેલાડી તરીકે ગુરુવારે સવારે ઇંગ્લેન્ડ રવાના થશે. તે ઇજાગ્રસ્ત ઓપનર શિખર ધવનના કવર માટે ઇંગ્લેન્ડ પહોંચી રહ્યો છે. જોકે ધવન હજુ વર્લ્ડ કપની બહાર થયો નથી. આથી રીષભ પંત સત્તાવાર રીતે ભારતીય ટીમમાં સામેલ થઇ શકશે નહીં. આઇસીસીના નિયમ અનુસાર જો કોઇ ખેલાડી પૂરી ટુર્નામેન્ટ માટે બહાર થાય તો જ બીજા ખેલાડીને સામેલ કરવાની છૂટ મળે છે. ધવન હજુ ભારતની 1પ ખેલાડીની ટીમનો હિસ્સો છે.
અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે વર્લ્ડ કપની ટીમ પસંદગી વખતે રીષભ પંત પ્રબળ દાવેદાર હતો, પણ તેના સ્થાને દિનેશ કાર્તિકની પસંદગી કરાઇ હતી. જેના પર સારી એવી ચર્ચા અને વિવાદ થયા હતા. હવે તેને ઇંગ્લેન્ડ સ્ટેન્ડ બાય તરીકે બોલવામાં આવી રહ્યો છે. જેથી તે પરિસ્થિતિ મુજબ એડજેસ્ટ થઇ શકે. જો ધવન ફિટ નહીં થાય તો આઇસીસીની મંજૂરી મેળવીને પંતનો ટીમમાં સમાવેશ કરાશે તેમ બીસીસીઆઇના એક અધિકારીએ જણાવ્યું હતું. એવા પણ રીપોર્ટ છે કે પંતને વર્લ્ડ કપની ઓફિશ્યલ કિટ પણ આપી ચુકાઇ છે. જો પંતનો ભારતીય ટીમમાં સમાવેશ થશે તો તે લગભગ નંબર ચાર પર બેટિંગ કરી શકે છે.
Published on: Thu, 13 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer