વર્લ્ડ કપ અૉસ્ટ્રેલિયા સામે પાકિસ્તાનનો 41 રને પરાજય

વર્લ્ડ કપ અૉસ્ટ્રેલિયા સામે પાકિસ્તાનનો 41 રને પરાજય
ટોન્ટન, તા. 12 : શાનદાર સદી ફટકારનાર ડેવિડ વોર્નર તેમજ 82 રન ઝુડી દેનાર સુકાની એરોન ફિંચની બળૂકી બેટિંગના બળે પાકિસ્તાનને 41 રને હરાવતાં ઓસ્ટ્રેલિયાએ આજે વિજયના ક્રમ પર વાપસી કરી હતી, કાંગારૂ ટીમના 308 રનના પડકારરૂપ લક્ષ્યને આંબવા પાક ટીમે સંઘર્ષ કર્યો હતો, પરંતુ જીતથી 41 રન છેટું રહ્યું હતું.
પાકિસ્તાન વતી પ્રારંભિક બેટધર ઈમામ ઉલ હકે 7 ચોગ્ગા સાથે 53 રન કર્યા હતા. તેની સાથે ઊતરેલા ફખર જમાને ખાતું ખોલાવ્યા વિના વિકેટ ખોઈ દીધી હતી.
માત્ર 56 રને બે વિકેટ ખોયા પછી હક અને મોહમ્મદ હાફિઝે સ્કોરબોર્ડને ગતિ આપવા પ્રયાસ કર્યા હતા. હાફિઝે 46, સુકાની સરફરાઝે 40 રન કર્યા હતા.
શોએબ મલિક (0), આસીફ અલી (5)એ સસ્તામાં વિકેટો ખોયા પછી જામી ગયેલા પૂંછડિયા ખેલાડીઓની સમજણપૂર્વકની રમતથી એક તબક્કે બાજી પલટી જશે તેવું જણાતું હતું.
હસન અલીએ માત્ર 15 દડામાં 3 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 32, વહાબ રિયાઝે 39 દડામાં 2 ચોગ્ગા, 3 છગ્ગા સાથે 42 રન કર્યા હતા.
બોલ ટેમ્પરિંગ કાંડને લીધે એક વર્ષના પ્રતિબંધ બાદ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પુનરાગનમ કરનાર આક્રમક બેટધર ડેવિડ વોર્નરની આકર્ષક સદી (107) અને કેપ્ટન એરોન ફિંચના શાનદાર 82 રનથી વર્લ્ડ કપના આજના મેચમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાન સામે 307 રનનો પડકારરૂપ  સ્કોર નોંધાવ્યો હતો. જો કે એક સમયે ઓસ્ટ્રેલિયાની ટીમ 350થી 370 રન કરવાની સ્થિતિમાં હતી, પણ પાક. ઝડપી બોલર મોહમ્મદ આમિરની ઘાતક બોલિંગ (30 રનમાં 5 વિકેટ) સામે કાંગારૂ ટીમ 49 ઓવરમાં 307 રને ઓલઆઉટ થઇ ગઇ હતી. 
ઓસ્ટ્રેલિયાના એક સમયે 37 ઓવરમાં 3 વિકેટે 242 રન હતા. આ પછી તેનો નાટકિય ધબડકો થયો હતો અને બાકીની 7 વિકેટ 65 રનના ઉમેરામાં પડી હતી. વોર્નર અને ફિંચ સિવાયના તમામ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ નિષ્ફળ રહ્યા હતા. પાકિસ્તાનના સુકાની સરફરાઝ અહેમદે ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાને દાવ આપ્યો હતો. જે શરૂઆતમાં નિષ્ફળ રહયો હતો. કારણ કે વોર્નર અને ફિંચ વચ્ચે પહેલી વિકેટમાં 146 રનની ઝડપી ભાગીદારી થઇ હતીPublished on: Thu, 13 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer