બૅન્ક અૉફ બરોડાએ બિઝનેસ વધારવા

બૅન્ક અૉફ બરોડાએ બિઝનેસ વધારવા
મુંબઈ પ્રાંતની રિજનલ અૉફિસો બંધ કરી

કોલકાતા, તા. 12 : વ્યવસ્થિત માળખાની સંરચના કરવા માટે બૅન્ક અૉફ બરોડા (બીઓબી)એ મુંબઈ ઝોન અંતર્ગતની દરેક રિજનલ અૉફિસ બંધ કરી છે અને કામકાજ કરવા માટે વિવિધ વિભાગોના આધારે માળખું ઊભું કર્યું છે. 
બૅન્ક અૉફ બરોડાએ દેના બૅન્ક અને વિજયા બૅન્ક સાથેના મર્જર બાદ નક્કી કર્યું હતું કે, એક ટીમ બિઝનેસના કામકાજ અને વેચાણના વૃદ્ધિ માટે કામ કરશે જ્યારે બીજી ટીમ વહીવટીતંત્ર, સર્વિસીસ અને ટેકો આપશે. આ પ્રણાલી ફક્ત મુંબઈ પ્રદેશના બિઝનેસ માટે એક નિયત સમય માટે છે. બિઝનેસને વધારવા માટે આ નિર્ણય લેવાયો હોવાનું બૅન્કે કહ્યું હતું. 
બૅન્ક અૉફ બરોડાના પ્રવક્તાએ કહ્યું કે, મુંબઈમાં ભૌગોલિક પરિસ્થિતિના આધારે કામકાજને બદલે વિવિધ વિભાગો આધારિત કામકાજનું માળખું બનાવ્યું છે, જેથી બિઝનેસની વૃદ્ધિ થાય. મુખ્ય હેતુ મર્જર પછી વ્યવસ્થિત નિયંત્રણ કરવાનું તેમ જ ખર્ચ ઘટાડીને આવક વધારવાનો છે. બ્રાન્ચ અને વ્યવસ્થાપન કાર્યાલયોમાં ઘટાડો કરતા ખર્ચ બચે છે. જોકે, મર્જર પછી ઝોનલ અૉફિસની સંખ્યા 13થી વધારીને 18 કરવામાં આવી છે. 
7 જૂને બૅન્ક દ્વારા જાહેર કરાયેલી આંતરિક નોંધમાં જણાવવામાં આવ્યું હતું કે, મુંબઈ ઝોનની બ્રાન્ચો હવે તેમની ભૌગોલિક પરિસ્થિતિને આધારે એક સમૂહ (ક્લસ્ટર) આધારિત થશે, જેમનું કામ બિઝનેસ વધારવાનું હશે. આ સમૂહના વડા આસિસ્ટન્ટ જનરલ મૅનેજરના દરજ્જાના વ્યક્તિ હશે. આ ટીમને રિલેશનશીપ મૅનેજર્સની ટીમનો ટેકો હશે. આવા પ્રકારની પ્રણાલી પ્રાઈવેટ બૅન્કોમાં હોય છે. સમૂહના વડાએ ફક્ત બિઝનેસ વધારવા ઉપર ધ્યાન આપવાનું રહેશે જ્યારે આ સિવાયના કામકાજ જેવા કે ઈસ્યૂ, અૉડિટ, નિયંત્રણ, અનુપાલન અને માનવ સ્રોતનું કામકાજ ઝોનલ અૉફિસ સાથે જોડાયેલો વિભાગ કરશે. 
બૅન્ક અૉફ બરોડાના એક અધિકારીએ કહ્યું કે, ટોચના મૅનેજમેન્ટે મુંબઈના ચાર રિજનલ અૉફિસમાં વીડિયો કૉન્ફોરન્સ કર્યા બાદ મુંબઈની દરેક રિજનલ અૉફિસ સીધી બંધ થઈ છે. 
આ મર્જર બાદ બૅન્ક અૉફ બરોડા બિઝનેસની દૃષ્ટિએ દેશની ત્રીજી સૌથી મોટી બૅન્ક બની છે. સંચાલન બિઝનેસની વૃદ્ધિ કરવા માગે છે, જેથી દેના બૅન્ક અને વિજયા બૅન્કની નફાશક્તિ વધારી શકાય.
Published on: Thu, 13 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer