એશિયાનાં બજારોમાં નબળાઈથી શૅરબજારોમાં વેચવાલી

એશિયાનાં બજારોમાં નબળાઈથી શૅરબજારોમાં વેચવાલી
નિફ્ટી 59 પૉઇન્ટ ઘટીને 11,906
 
મેટલ-ફાર્મા સિવાય તમામ સૂચકાંક ઘટયા
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 12 : ચીન સાથે ટ્રેડ વૉર બાબતે અમેરિકાએ અક્કડ વલણ લેવાથી એશિયાનાં બજારો તૂટતાં સ્થાનિકમાં શૅરબજાર સતત ત્રીજા દિવસે ઘટાડો દર્શાવી બંધ રહ્યું હતું. દેશમાં વાહન-વેચાણના નબળા આંકડા અને નવી સરકાર દ્વારા નાણાનીતિ અંગે કડક વલણને લીધે બજારમાં સાવધાનીનું વલણ જોવાયું છે. આજે શરૂઆતથી જ બજારનો મૂડ નકારાત્મક રહેવાથી એનએસઈમાં નિફ્ટી 11,962ની ઉંચાઈએથી ઘટીને એક તબક્કે 11,866 સુધી જઈ ટ્રેડ અંતે 59 પૉઇન્ટના ઘટાડા સાથે 11,906.20ના સ્તરે બંધ આવ્યો હતો. બીએસઈ સેન્સેક્ષ 194 પૉઇન્ટના દબાણે 39,757ના સ્તરે બંધ હતો. સટ્ટાકીય અને ફંડોના હેમરિંગને લીધે નિફ્ટીના 34 શૅર ઘટીને અને 15 શૅર મામૂલી સુધારે બંધ રહ્યા હતા. જેથી બીએસઈમાં મિડકેપ ઇન્ડેક્સ 118 અને સ્મોલકેપ ઇન્ડેક્સ 70 પૉઇન્ટ ઘટયો હતો.
આજના ઘટાડાની તીવ્રતા મુખ્યત્વે બૅન્કિંગ, નાણાં સેવા, રિયલ્ટી અને વાહન ક્ષેત્રોમાં જોવાઈ હતી. અગ્રણી શૅરોમાં હિસ્સો રૂા. 13, ઓએનજીસી 1 ટકા, ગેઇલ રૂા. 4, બ્રિટાનિયા રૂા. 17 અને ટીસીએસમાં રૂા. 8નો સુધારો હતો. બાકીના 34 શૅરમાં ભાવ ઘટીને બંધ આવ્યા હતા. આજના ઘટાડાની આગેવાની લેતાં મારુતિ સુઝુકી રૂા. 126, બજાજ ફિનસર્વ રૂા. 60, કોટક બૅન્ક રૂા. 24, એલઍન્ડટી રૂા. 15, ઇન્ડસઇન્ડ બૅન્ક રૂા. 21, ઇન્ડિયા બુલ્સ રૂા. 53, ભારતી ઇન્ફ્રાટેલ રૂા. 10, હીરો મોટોકૉર્પ રૂા. 48 અને યુપીએલ રૂા. 14 ઘટયા હતા. આજે મેટલ અને ફાર્મા સિવાયના એનએસઈ ખાતેના તમામ સૂચકાંક 0.50થી  2 ટકા સુધી ઘટયા હતા. વ્યક્તિગત શૅરમાં નીઓજેન કેમિકલ 10 ટકા વધીને રૂા. 364 ક્વૉટ થયો હતો. ઇન્ડિયા બુલ્સ વધુ 6 ટકા તૂટયો હતો. કંપની પર રૂા. 98,000 કરોડના જાહેર નાણાંનો દુરુપયોગ કરવાનો કથિત આક્ષેપ થયો છે.
સ્થાનિક બજારના અનુભવીઓના જણાવ્યા પ્રમાણે સમગ્ર રીતે બજારનો અંડરટોન નકારાત્મક બન્યો છે. હેજફંડો અને સંસ્થાઓ ઉપરના ભાવે વેચાણ કરીને લેણનાં પોટલાં હળવેથી ઘટાડે છે જેથી ફંડામેન્ટલ શૅરમાં પણ પીઈ રેશિયો અને 12 મહિનાના તળિયાના ભાવ તપાસીને લાંબા ગાળા માટે રોકાણ કરવું હિતાવહ રહેશે. અત્યારે ટૂંકા-મધ્યમ ગાળા માટે નવી ખરીદીનો સમય હજુ પાકયો નથી.
એશિયાનાં બજારો
એમેરિકાએ ટેરીફ વૉર બાબતે ચીન સાથે કડક વલણનો સંકેત આપતાં એશિયાનાં બજારો કડડડભૂસ થવાના સંજોગ છે. આજે એમએસસીઆઈ બ્રોડેસ્ટ ઇન્ડેક્સ (એશિયા પેસિફિક) નોંધપાત્ર 0.6 ટકા તૂટયો હતો. જપાનમાં નિફ્ટી 0.3 ટકા ઘટાડે બંધ હતો. હૉંગકૉંગમાં હેંગસેંગ 480 પૉઇન્ટ અને ચીનમાં શાંઘાઈ ઇન્ડેક્સ 16 પૉઇન્ટ ઘટાડે હતો. માત્ર અમેરિકાનો મુખ્ય નાસ્દાક ઇન્ડેક્સ 12 પૉઇન્ટ સુધરીને બંધ રહ્યો હતો.
Published on: Thu, 13 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer