મૂડી''ઝે યસ બૅન્કને ડાઉનગ્રેડ માટે સમીક્ષા અંતર્ગત મૂકી

મૂડી''ઝે યસ બૅન્કને ડાઉનગ્રેડ માટે સમીક્ષા અંતર્ગત મૂકી
મુંબઈ, તા.12 : રેટિંગ એજન્સી મૂડી'ઝે યસ બૅન્કને `ડાઉનગ્રેડ માટે સમીક્ષા અંતર્ગત' મૂકી છે. દેશની નાણાકીય કંપનીઓ અને રિયલ એસ્ટેટ કંપનીઓમાં રોકડપ્રવાહની અછત અને તેની નકારાત્મક અસર બૅન્કની ક્રેડિટ પ્રોફાઈલમાં થતી હોવાથી રેટિંગ એજન્સીએ યસ બૅન્કને સમીક્ષા અંતર્ગત મૂકી છે. 
રેટિંગ એજન્સીના મતે, બૅન્કે તેમના કુલ એક્સપોઝરના રૂા.10,000 કરોડ (કુલ લોનના 4.1 ટકા)ને વર્ગીકૃત કર્યા છે, જે આગામી 12 મહિનામાં નોન-પરર્ફોમિંગ એસેટ્સ (એનપીએ)માં ફેરવાઈ શકે છે. કોઈ પણ પ્રકારની અસરથી લોન નુકસાનીની જોગવાઈ વધશે, જે ગત નાણાકીય વર્ષમાં 20 ટકા જેટલી હતી. 
બૅન્કની વિદેશી ચલણ ઈસ્યૂઅર રેટિંગ અને લાંબા ગાળાના વિદેશી-સ્થાનિક ચલણ બૅન્ક ડિપોઝીટ રેટિંગ્સને ડાઉનગ્રેડ માટે સમીક્ષા અંતર્ગત મૂકી છે. આ બંનેને હાલ `બીએ1'નું રેટિંગ છે. રેટિંગ એન્જસીએ કહ્યું કે, લોન નુકસાની, નવી લોન એનપીએ થાય તો બૅન્કના રેટિંગને ડાઉનગ્રેડ કરવામાં આવશે. ઉપરાંત બૅન્કના મૂડી રેશિયોમાં ઘટાડો થતાં તે નવા ભંડોળ એકત્ર કરવામાં અસક્ષમ બને તો પણ ડાઉનગ્રેડ કરવામાં આવશે. 
યસ બૅન્કનું ભારતીય હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓ (એચએફસી) અને નોન-બૅન્ક ફાઈનાન્સ કંપની (એનબીએફસી)માં કુલ એક્સપોઝર 6.4 ટકા હતું. કમર્શિયલ અને રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં સાત ટકા એક્સપોઝર છે. એચએફસી અને એનબીએફસીની જેમ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પણ લિક્વિડિટીની ભારે નાણાભીડ છે. મૂડી'ઝનું માનવું છે કે બૅન્કની અસ્ક્યામતની ગુણવત્તામાં નોંધપાત્ર દબાણ આવશે, જેથી નફાશક્તિ ઘટશે તેમ જ મૂડી ખોરવાશે. 
ઈન્ફ્રાસ્ટ્રકચર લિઝિંગ ઍન્ડ ફાઈનાન્સિયલ સર્વિસીસ (આઈએએલઍન્ડએફએસ) ગયા વર્ષે ડિફોલ્ટ થયા બાદ એનબીએફસીમાં નાણાંની ભારે કટોકટી સર્જાઈ છે. બૅન્કો એનબીએફસીને નાણાં આપવા માટે આનાકાની કરે છે.  
ડાઉનગ્રેડની સમીક્ષામાં મૂડી'ઝ બૅન્કની સોલવન્સી પ્રોફાઈલ-અસ્ક્યામતની ગુણવત્તા, મૂડી, નફાશક્તિ સોલવન્સી દબાણની અસર વગેરે જોશે. ઉપરાંત એજન્સી યસ બૅન્કની કોર્પોરેટ વલણ પણ જોશે. મૂડી'ઝ સરકાર દ્વારા આપવામાં આવતા ટેકાને પણ ધ્યાનમાં રાખશે, જેથી બૅન્કની વૃદ્ધિ થાય. આ ટેકાથી બૅન્કની ફોરેન કરન્સી ઈસ્યૂઅર રેટિંગ `બીએ2ની બીસીએ'થી `બી1' થયું છે.  
Published on: Thu, 13 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer