મુંબઈ પાલિકાએ પાણીના દરમાં અઢી ટકા વધારો કર્યો

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 12 : મુંબઈ મહાપાલિકાએ પાણીના દરમાં અઢી ટકા વધારો કર્યો છે. આવતી 16મી જૂનથી આ દર વધારો લાગુ થશે. પાણી પુરવઠાનો ખર્ચ વધ્યો હોવાનું કહીને પાલિકાએ ઘરગથ્થુ વપરાશના પાણીના દરમાં નવ પૈસા (એક હજાર લીટર દીઠ) અને વ્યવસાયિક હેતુ માટે વપરાતા પાણીના દરમાં 95 પૈસાનો વધારો કર્યો છે.
મુંબઈ પાલિકા દ્વારા નાગરિકોને દરરોજ 3800 મિલિયન લીટર પાણી પૂરું  પાડવામાં આવે છે. તેના માટે કરોડો રૂપિયા ખર્ચે છે. પાણી પુરવઠા માટે વર્ષ 2017-18માં પાલિકાને રૂા. 836.60 કરોડ ખર્ચ થયો હતો. વર્ષ 2018-19માં આ ખર્ચ 857.32 કરોડ રૂપિયા ખર્ચ થયો હતો. પાણી પુરવઠા માટે થનારા ખર્ચમાં 2.48 ટકા વધારો થયો હતો. તેથી દરવધારો કરવાની ફરજ પડી છે.
અહીં ઉલ્લેખનીય છે કે પાણી પુરવઠા પાછળ છતાં ખર્ચને વહન કરવા માટે પાલિકા દ્વારા 2012માં દર વર્ષે લઘુતમ આઠ ટકા દરવધારો કરવાનો પ્રસ્તાવ બહુમતીથી મંજૂર કરવામાં આવ્યો હતો. તે અનુસાર પાલિકા વહીવટીતંત્રએ પાણીના દરમાં વધારો કર્યો છે.
એ, સી અને ડી વૉર્ડોમાં 25 ટકા પાણી કાપ
ભાત્સા તળાવમાંથી મુંબઈ શહેરને થતા પાણી પુરવઠામાં ટેકનીકલ ખામી સર્જાઈ છે. તેથી દક્ષિણ મુંબઈના એ,સી અને `ડી' વૉર્ડોમાં 12મીથી 14મી જૂન સુધી 25 ટકા પાણી કાપ મૂકવામાં આવ્યો છે એમ મુંબઈ પાલિકા તરફથી જણાવવામાં આવ્યું છે.
Published on: Thu, 13 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer