ઇન્કમ ટેક્સ વિભાગની ટીમનો સ્વાંગ રચીને બિઝનેસમેન સાથે 82 લાખની લૂંટ

દહિસર પોલીસે મુખ્ય સૂત્રધાર સહિત 13 આરોપીની ધરપકડ કરી
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 12 : હિંદી ફિલ્મોના પડદે જ જોવા મળે એવી વાસ્તવિક ઘટનામાં ઇન્કમ ટેક્સ વિભાગના અધિકારીઓની ટીમનો સ્વાંગ રચીને લૂંટારૂ ટોળકી દહિસરના બિઝનેસમેન કિસન બેલવટે સાથે 82 લાખ રૂપિયાની લૂંટ કરીને પલાયન થઇ ગઇ હતી. ગયા અઠવાડિયાની આ લૂંટના કેસમાં અત્યાર સુધીમાં માસ્ટરમાઇન્ડ અલ્તાફ કાગદી ઉર્ફે સમીર સહિત 13 આરોપીની ધરપકડ કરી હોવાનું પોલીસે આજે જણાવાયું હતું.
કેસની વિગતો આપતા પોલીસે કહ્યું હતું કે ઇન્કમ ટેક્સની ટીમ હોવાની ઓળખ આપીને કૂરિયર સર્વિસ ચલાવતા બેલવટેના ઘરે આ ટોળકી આઠમી જૂને બપોર બાદ ઘૂસી હતી અને ઘરમાં ગેરકાયદે મોટી રોકડ હોવાની તેમ જ રોકડની ગેરકાયદે હેરાફેરી કરતા હોવાની બાતમીના આધારે તપાસ માટે આવ્યા હોવાનું કહ્યું હતું. અધિકારી જેવા જણાતા મુખ્ય આરોપીએ ઇન્કમ ટેક્સ વિભાગના બનાવટી ઓળખ પત્રો પણ આ બિઝનેસમેનને દાખવ્યા હતા.
અચાનક રેડ પડેલી હોવાનું જાણીને ગભરાયેલા બેલવટેએ 80.40 લાખ રૂપિયાની રોકડ રકમ એકત્ર કરીને આ ટોળકીના હવાલે કરી હતી અને આ ટોળકીએ પરિવારના કુલ 1.21 લાખ રૂપિયાની કિંમતના ચાર મોંઘા મોબાઇલ ફોન પણ જપ્ત કર્યા હતા અને તપાસ કર્યા બાદ આ માલમત્તા તમને પરત મળી જશે એમ કહીને ત્યાંથી આ ટોળકી ચાલી ગઇ હતી.
જો કે આ બિઝનેસમેનને શંકા ઉપજી અને તેણે પોલીસનો સંપર્ક કર્યા બાદ ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે આ કેસની તપાસમાં મંગળવારે આ વિસ્તારના એક રિક્ષા ચાલકની અટક કરીને પુછપરછ કરતા ભાંડો ફૂટયો હતો. રિક્ષા ચાલકે આપેલી માહિતીના આધારે પોલીસે મુખ્ય સૂત્રધાર કાગદી સહિત કુલ 13 આરોપીની ધરપકડ કરી હતી. આજે કોર્ટમાં આરોપીઓને હાજર કરાયા બાદ તેમને 17 જૂન સુધીની પોલીસ કસ્ટડીમાં મોકલી અપાયા હતા, એમ પોલીસે કહ્યું હતું.
Published on: Thu, 13 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer