શું રાહુલ સત્તાવાર નિવાસસ્થાન તુઘલક લેનનો બંગલો ગુમાવશે ?

નવી દિલ્હી, તા. 12 : લોકસભા સેક્રેટરિએટે સંસદસભ્યો માટે જે ખાલી બંગલાઓની યાદીની સર્ક્યુલેટ કરી છે તેમાં રસપ્રદ રીતે 12, તુઘલક લેનનો સમાવેશ થાય છે, જે કૉંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીનું વર્ષ 2004થી સત્તાવાર નિવાસ્થાન છે, જ્યારે તેઓ લોકસભાની અમેઠી બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા.
આ સર્ક્યુલરમાં તાજેતરમાં ચૂંટણી જીતનારાઓને ફાળવવામાં આવનારા વિવિધ બંગલાઓનાં સરનામાનો સમાવેશ હોઈ રાહુલ ગાંધીનો હાલનો બંગલો `ટાઇપ-8' કેટેગરીમાં આવે છે જે ટોચની કેટેગરી છે. રાહુલ ગાંધી તાજેતરની લોકસભાની ચૂંટણીમાં પરંપરાગત અમેઠીની બેઠક પર હારી ગયા હતા. પરંતુ કેરળના વાયનાડમાંથી ચૂંટાઈ આવ્યા હતા.
લોકસભા સેક્રેટરિએટ વતી સાંસદોને તેમની પસંદગી કરવા માટે ખાલી બંગલા તેમ જ ફ્લૅટોની યાદી આપવામાં આવતી હોય છે. આ વખતે સાંસદોને 517 ફ્લૅટ અને બંગલાઓની યાદી પૂરી પાડવામાં આવી છે. ફાળવણી માટે રાહુલના બંગલાનો ઉલ્લેખ કરાયો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આ સર્ક્યુલર વિશે રાહુલ ગાંધીના કાર્યાલયને કશી જાણ નથી.
Published on: Thu, 13 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer