થાવરચંદ ગેહલોત રાજ્યસભામાં ભાજપના નેતા, પીયૂષ ગોયલ હશે ઉપનેતા

અમારા પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 12 : દેશમાં 17મી લોકસભાની  ચૂંટણી પછી સત્તાધારી ભાજપે સંસદીય પાંખની કારોબારીની પુનર્રચના કરી છે.
ભાજપના સંસદીય દળ તરફથી આજે બહાર પાડવામાં આવેલી યાદી અનુસાર લોકસભામાં ભાજપના નેતા નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને ઉપનેતા તરીકે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ રહેશે. રાજ્યસભામાં પક્ષના નેતા તરીકે કેન્દ્રના સામાજિક ન્યાય ખાતાના પ્રધાન થાવરચંદ ગેહલોત અને ઉપનેતા તરીકે રેલવે પ્રધાન પીયૂષ ગોયલની વરણી કરવામાં આવી છે.
સરકારના મુખ્ય વ્હીપ સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશી, લોકસભામાં ઉપમુખ્ય વ્હીપ તરીકે સંસદીય બાબતોના રાજ્ય પ્રધાન અર્જુન રામ મેઘવાળ અને રાજ્યસભામાં ઉપમુખ્ય વ્હીપ તરીકે સંસદીય બાબતોના રાજ્ય પ્રધાન વી. મુરલીધરન રહેશે.
લોકસભામાં ભાજપના મુખ્ય વ્હીપ ડૉ. સંજય જયસ્વાલ, રાજ્યસભાના મુખ્ય વ્હીપ નારાયણલાલ પંચારિયા રહેશે. સંસદીય પાંખના મંત્રી તરીકે ગણેશસિંહ લોકસભાનું અને ભૂપેન્દ્ર સિંહ યાદવ રાજ્યસભાનું કામ જોશે.
ઉત્તર મુંબઈમાંથી લોકસભામાં ચૂંટાયેલા ગોપાળ શેટ્ટીને સંસદીય પક્ષના ખજાનચી બનાવવામાં આવ્યા છે. લોકસભામાં 18 અને રાજ્યસભામાં છ વ્હીપ બનાવવામાં આવ્યા છે.
સંસદીય પક્ષની કારોબારીમાં લોકસભાના છ સભ્યો નીતિન ગડકરી, રવિશંકર પ્રસાદ, અર્જુન મુંડા, નરેન્દ્ર સિંહ તોમર, સ્મૃતિ ઇરાની અને જુઆલ ઓરામ, તેમ જ રાજ્યસભામાં પાંચ સભ્ય જે.પી. નડ્ડા, ઓમપ્રકાશ માથુર, નિર્મલા સીતારામન, ધર્મેન્દ્ર પ્રધાન અને પ્રકાશ જાવડેકરને નીમવામાં આવ્યા છે.
Published on: Thu, 13 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer