મુંબઈગરા અૉક્ટોબરથી સ્પીડ બોટમાં પ્રવાસ કરી શકશે

મુંબઈ, તા. 12 : જો યોજના પ્રમાણે બધું સમૂંસુતરું પાર પડશે તો મુંબઈગરા દક્ષિણ મુંબઈથી દૂરનાં પરાંમાં સ્પીડ બોટ ટૅક્સીમાં પ્રવાસ કરી શકશે અને હાલ લોકલ ટ્રેનોમાં જે ગિરદીમાં પ્રવાસ કરે છે તેમાં રાહત મળશે અને પ્રવાસનો સમય પણ અડધો થઈ જશે. આ સ્પીડ બોટ અૉક્ટોબર મહિનાથી શરૂ થવાની શક્યતા છે.
મહારાષ્ટ્ર મેરી ટાઇમ બોર્ડ (એમએમબી), સીડકો, મુંબઈ પોર્ટ ટ્રસ્ટ, રાજ્ય પરિવહન વિભાગ અને જેએનપીટીએ સંયુક્ત રીતે 35 કરોડ રૂપિયાના ખર્ચે પાંચ સ્પીડ બોટ ખરીદવાનો નિર્ણય લીધો છે.
વર્તુળોના જણાવ્યા પ્રમાણે આ સેવા મુંબઈ પોર્ટ ટ્રસ્ટના ડોમેસ્ટિક ક્રૂઝ ટર્મિનલ અને માંડવા, થાણે અને બેલાપુર જેવાં સ્થળો વચ્ચે દોડશે અને ત્યાં સ્પીડ બોટ માત્ર 30 મિનિટમાં પહોંચી જશે.
ટ્રસ્ટના ચૅરમૅન સંજય ભાટિયાએ જણાવ્યું હતું કે બધા ઇક્વિટી ભાગીદારોએ સ્પીડ બોટની પસંદગીનું કામ શીપિંગ કૉર્પોરેશન અૉફ ઇન્ડિયા (એસસીઆઈ)ને સોંપ્યું છે. એસસીઆઈ સ્પીડ બોટ ખરીદવા માટે અમારા સલાહકાર છે.
આ દરેક સ્પીડ બોટની લઘુતમ ક્ષમતા 20 પૅસેન્જરની હશે.
આ સ્પીડ બોટ થાણે, ઐરોલી, વાશી, નેરુલ, બેલાપુર, પનેવલનું સૂચિત આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ, જેએનપીટી, માંડવા, કરંજ અને કાનોજી આંગ્રે સુધી પ્રવાસીઓને લઈ જશે. આ સ્થળોએ મોટા ભાગે જેટીઓ તૈયાર છે.
સ્પીડ બોટનું ભાડું હાલમાં રોડ પર દોડતી ટૅક્સીઓ જેટલું હશે.
Published on: Thu, 13 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer