રાણીબાગમાં આવતા મહિને થશે `ગીર'' સાવજની જોડીનું આગમન

મુંબઈ, તા. 12 : લાંબી પ્રતીક્ષા બાદ છેવટે રાણીબાગ (ભાયખલા)માં ગીરના બે સિંહ (સાવજો)ની જોડી લાવવા માટેનો માર્ગ મોકળો બન્યો છે. પાલિકા અધિકારીઓના જણાવવા મુજબ જો બધું સમેસૂતરું પાર પડે તો જૂનાગઢના સક્કરબાગ ઝૂમાંથી આ સિંહોને જુલાઈમાં શહેરમાં લાવવામાં આવશે.
જૂનાગઢના સાસણગીરમાં ગત મંગળવારે યોજાયેલા એક સમારોહમાં ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આ અંગેના ટ્રાન્સફર પ્રમાણપત્રો પ્રદાન કર્યાં  હતાં. યોગાનુયોગે ભાયખલાના પ્રાણીબાગનું પ્રતિનિધિત્વ ચીફ કન્ઝર્વેટર અૉફ ફોરેસ્ટ અનવર અહેમદ દ્વારા કરવામાં આવ્યું હતું. જેઓ સંજય ગાંધી નેશનલ પાર્કના ડિરેક્ટર છે.
`મેં ટ્રાન્સફર પ્રમાણપત્રો સ્વીકાર્યાં છે' એમ જણાવતાં અહમદે ઉમેર્યું હતું કે હું ગુજરાતના અનેક અધિકારીઓને મળ્યો હતો અને આ પ્રક્રિયા ઝડપી બનાવવા મેં તેમને અનુરોધ કર્યો હતો.
દરમિયાન ભાયખલા ઝૂના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આ મહિનાના પ્રારંભે સેન્ટ્રલ ઝૂ અૉથોરિટી દ્વારા મુંબઈના પ્રાણીબાગ માટે સિંહોની બદલીની મોકલાયેલી દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી.
`એક વખત મૂળ વિધિ પૂર્ણ કરાય એટલે અમારી ટીમ સક્કરબાગ ઝૂમાં જઈ આ પ્રાણીઓને મુંબઈ લાવશે' એમ આ અધિકારીએ જણાવ્યું હતું.
Published on: Thu, 13 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer