ટ્રેનમાંથી પડી જવાના અને પાટા ઓળંગવાથી થતાં

મૃત્યુની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો
 
મુંબઈ, તા. 12 : મુંબઈ મેટ્રોપોલિટન પ્રદેશમાં રેલવેના પાટા ઓળંગવાથી પ્રવાસીઓમાં થતાં મૃત્યુને અટકાવવા પશ્ચિમ રેલવેએ તેના વિસ્તારમાં 40 કિલોમીટરની દીવાલ બાંધવાનું કામ પૂરું કર્યું છે. જ્યારે મધ્ય રેલવેએ બાઉન્ડરી વોલમાં 70 જગ્યાએ પાડવામાં આવેલા બાકોરાં પૂરી દીધાં છે અને સાત ઠેકાણે ફેન્સ બાંધી છે.
મધ્ય રેલવેના આરપીએફના સિનિયર ડિવિઝનલ સિક્યોરિટી કમિશનર કે.કે. અશરફે જણાવ્યું હતું કે અમે વિવિધ ઠેકાણાંનાં ગેરકાયદે એન્ટ્રી-એક્ઝિટ પોઇન્ટ બંધ કરી દીધાં છે. જેનું સારું પરિણામ આવ્યું છે.
ખાસ કરીને દાદરમાં પહેલા દર વર્ષે  સરેરાશ 10થી 15 જણનાં મૃત્યુ પાટા ઓળંગવાને કારણે થતાં હતાં. લોકો અગાઉ રેલવે કૉલોનીમાંથી જઈને પાટા ઓળંગતા હતા અને પ્લેટફોર્મ નંબર 6 નજીકના એક ગૅપમાંથી પણ પાટા ઓળંગતા હતા જે હવે બંધ કરવામાં આવ્યો છે.
અગાઉ એવું જણાવ્યું હતું કે અગાઉ લોકો બાઉન્ડરી વોલમાં બાકોરાં પાડી દેતાં હતાં અને તેઓ પાટા ઓળંગીને શોર્ટકટ લેતા હતા. હવે સીમેન્ટ કોક્રીટની મજબૂત સામગ્રીથી આ બાકોરાં બંધ કરવામાં આવ્યાં છે જે તોડવા સહેલાં નથી.
પશ્ચિમ રેલવેમાં જોગેશ્વરી સ્ટેશન ખાતે દક્ષિણ તરફનું લેવલ ક્રોસિંગ બંધ કરીને બન્ને બાજુએ મજબૂત કોક્રીટની દીવાલ બાંધવામાં આવતાં ત્યાં ધાર્યું પરિણામ આવ્યું છે અને પાટા ઓળંગવાથી થતાં મૃત્યુની સંખ્યા લગભગ શૂન્ય થઈ ગઈ છે.
બીજી તરફ પાટા ઓળંગનારાઓ સામે આરપીએફ દ્વારા હવે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અમે દિવસમાં 50થી 100 જણની ધરપકડ કરી રહ્યા છીએ, ખાસ કરીને દિવા, થાણે અને બદલાપુર રેલવે સ્ટેશનો ખાતે વિશેષ ધ્યાન કેન્દ્રિત કરાયું છે, એમ આરપીએસે જણાવ્યું હતું.
ટ્રેનમાંથી પડી જઈને થતાં મૃત્યુની સંખ્યામાં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે 11 ટકાનો ઘટાડો થયો છે. 2018ના જાન્યુઆરીથી- મે મહિનાના સમયગાળામાં 292 જણનાં મૃત્યુ નીપજયાં હતાં જે આ વર્ષે આ જ ગાળામાં સંખ્યા ઘટીને 259ની થઈ હતી.
એવી જ રીતે પાટા ઓળંગવાથી ગત વર્ષના પ્રથમ પાંચ મહિનામાં 675 જણે પ્રાણ ગુમાવ્યા હતા જ્યારે 2019ના પ્રથમ પાંચ મહિનામાં 607 જણ મૃત્યુ પામ્યાં હતાં. આમ એમાં પણ 10 ટકાનો ઘટાડો થયો હતો.
જોકે મૃત્યુદરમાં એકંદરે ઘટાડો નોંધાયો હતો પરંતુ વીજળીનો ઝટકો લાગવાથી થતાં મૃત્યુ બમણાં થયાં હતાં અને આત્મહત્યાના પ્રમાણમાં 75 ટકાનો વધારો થયો હતો.
પાંચ મહિનામાં રેલવે અકસ્માતમાં મૃત્યુ
                    મૃત્યુનું કારણ                        જાન્યુઆરી-મે
                                                2018           2019
પાટા ઓળંગતા                           675             607
દોડતી ટ્રેનમાંથી પડી જવાથી        292             259
રેલવેનો થાંભલો વાગતા              6                 2
પ્લેટફોર્મના ગેપમાં પડતાં            3                 3
વીજળીનો આંચકો લાગતાં            6                 12
આત્મહત્યા                                  8                 14
કુદરતી મૃત્યુ                                210             186
અન્ય કારણ                                 11               9
કારણની ખબર નથી                      9                 13
કુલ-                                            1220           1105
Published on: Thu, 13 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer