વકફની મિલકતો ઉપર શાળા, કૉલેજ, હૉસ્પિટલ બાંધવા

સરકાર આપશે 100 ટકા ભંડોળ

પ્રમોદ મુઝુમદાર તરફથી
નવી દિલ્હી, તા. 12 : લઘુમતી કોમના શૈક્ષણિક સશક્તીકરણ અને રોજગારી પેદા કરવાના ઉદ્દેશ્યથી વકફની મિલકતોને વિકસાવવાનું કામ યુદ્ધનાં ધોરણે શરૂ કરવામાં આવશે. આખા દેશમાં વકફની મિલકતોનું 100 ટકા ડિજિટલિકરણ કરવામાં આવશે, એમ કેન્દ્રના લઘુમતી બાબતોના પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું છે.
નકવીએ જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લઘુમતીઓ માટે હાલ માત્ર 100 જિલ્લા સુધી સીમિત વિકાસ યોજનાઓને વધુ વિસ્તારવાનું નક્કી કર્યું છે. પ્રધાનમંત્રી જનવિકાસ કાર્યક્રમ હેઠળ 308 જિલ્લાને આવરી લેવામાં આવશે. દેશમાં 5.77 લાખ રજિસ્ટર્ડ વકફ સંપતિઓ છે જેને જીયો ટેનિંગ અને તેના રેકર્ડને ડિજિટલ કરવામાં આવી રહ્યાં છે. કેન્દ્રના વકફ પરિષદની 80મી બેઠક પછી નકવીએ જણાવ્યું હતું કે દેશ આઝાદ થયા બાદ પ્રથમવાર વડા પ્રધાન મોદીના વડપણ હેઠળની સરકારે દેશભરમાં વકફ મિલકતો ઉપર શાળા, કૉલેજ, હૉસ્પિટલ અને કોમ્યુનિટી સેન્ટર વગેરે ઇમારતોનાં બાંધકામ માટે પ્રધાનમંત્રી જનવિકાસ કાર્યક્રમ હેઠળ 100 ટકા નાણાંભંડોળ આપવાનો નિર્ણય લીધો છે.
નકવીએ પત્રકારોને જણાવ્યું હતું કે દેશભરમાં વકફ સંપત્તિઓનો ઉપયોગ સમાજ વિશેષકર આર્થિક રૂપથી નબળા પરિવારોની કિશોરીઓનાં શૈક્ષણિક સશક્તીકરણ અને રોજગાર મળી શકે એવા કૌશલ્યવિકાસ માટે કરવા કેન્દ્ર સરકારે યુદ્ધના ધોરણે તૈયારીઓ શરૂ કરી છે. આઝાદી પછી જે પછાત વિસ્તારોમાં કિશોરીઓને શિક્ષણની સુવિધાઓ મળી નથી ત્યાં પ્રધાનમંત્રી જનવિકાસ કાર્યક્રમ હેઠળ વિવિધ સુવિધા પહોંચાડવામાં આવશે. પ્રધાનમંત્રી જનવિકાસ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દેશભરમાં વકફની મિલકતો ઉપર શાળા, કૉલેજ, આઈટીઆઈ, કૌશલ્યવિકાસ, બહુઉદ્દેશીય સામુદાયિક કેન્દ્ર, સદ્ભાવ મંડપ, હુન્નર હબ, હૉસ્પિટલ, વ્યવસાયિક કેન્દ્ર અને સર્વિસ સેન્ટરનું બાંધકામ મોટા પ્રમાણમાં કરવામાં આવશે.
Published on: Thu, 13 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer