ઉત્તર ભારતના મોટા ભાગમાં હિટ વેવ

જમ્મુ કાશ્મીરમાં સતત વરસાદ, હિમવર્ષા

શ્રીનગર, તા. 12: ઉત્તર ભારતના મોટા ભાગમાં તીવ્ર હિટ વેવ પ્રવર્તી રહ્યું છે તો બીજી તરફ કાશ્મીર ખીણના ઉંચાઈવાળાં સ્થળોએ તાજેતરમાં નવેસરથી હિમવર્ષા થઈ હતી, જે વર્ષના આવા સમયે થવું આ વિસ્તારની લાક્ષણિકતાથી વિપરીત જ કહી શકાય.
સોનમર્ગ, ગુરેઝ અને પીર કી ગલી સહિતના કેટલાંક સ્થળોની ઉંચાઈવાળી ટેકરીઓ ખાસી હિમાચ્છાદિત થઈ હતી અને હવામાન વિભાગે અહીંના નીચલા ભાગોમાં વરસાદી ઝાપટાં ચાલુ રહેવા આગાહી કરી છે. રાજ્યના ગુલમર્ગ, કુપવાડા, પુંછ, પહલગામ સહિતના અનેક ભાગોમાં છેલ્લા થોડા દિવસથી એકધારો વરસાદ થતો રહ્યો છે.
દેશના ઉત્તરીય પટ્ટાના મોટા ભાગના મેદાની સ્થળોમાંની તીવ્ર ગરમીની તુલનાએ જમ્મુ કાશ્મીરમાં હિમ અને વરસાદ તદ્દન નોખું હવામાનીય ચિત્ર ઉપસાવે છે.
દરમિયાન, ગુજરાત કાંઠે પ્રચંડ વાયુ વાવાઝોડાએ આક્રમણ કર્યું છે તો બીજી તરફ તીવ્ર ગરમીથી બેહાલ ઉત્તર ભારતમાં પાકિસ્તાન તરફથી ધૂળનું મોટું તોફાન ત્રાટકવાની તૈયારીમાં છે. હવાની ગુણવત્તા અને મોસમનો વર્તારો બતાવનારી કેન્દ્રની સંસ્થા સફર ઈન્ડિયાના એક હેવાલ મુજબ પાક અને અફઘાનિસ્તાનમાં ધૂળનું મોટું તોફાન ઉદ્ભવ્યું છે અને તે દિલ્હી-એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારતને મુશ્કેલીમાં મૂકી શકે છે. 
Published on: Thu, 13 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer