લોકસભાના સ્પીકર તરીકે `આદિવાસી ચહેરો''

જુઆલ ઓરમને વડા પ્રધાન મોદી પસંદ કરશે ?

આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 12 : લોકસભામાં નાયબ સ્પીકરનો હોદ્દો જગનમોહન રેડ્ડીની વાય.આર.એસ.સી.પી આપવાની ભાજપ તરફથી સત્તાવાર અૉફર કરવાની સાથે આ હોદ્દા વિશેના સસ્પેન્સનો અંત આવ્યા બાદ હવે 17મી લોકસભામાં નવા સ્પીકર કોણ હશે તે વિશે હજી સસ્પેન્સ સર્જાયેલું છે. શું વડા પ્રધાન મોદી સ્પીકરના હોદ્દા માટે આદિવાસી જાતિના ઉમેદવારને પસંદ કરશે, જે જાતિએ હજી સુધી આ હોદ્દો નથી સંભાળ્યો?
જો આ હકીકતને ધ્યાનમાં લેવાય તો પછી સુંદરગઢથી ઓડિશાના આદિવાસી સાંસદ જુઆલ ઓરમ સ્પીકરના હોદ્દા માટે સંભવિત ઉમેદવાર હશે. નવા પ્રધાનમંડળની રચનામાંથી ઓરમને બહાર રખાયા અને વડા પ્રધાન મોદીની સરકારની પ્રથમ મુદત દરમિયાન ઓરમનું આદિવાસી બાબતોનું ખાતું ઝારખંડના સાંસદ અર્જુન મુંડાને અપાયા બાદ સ્પીકરના હોદ્દાની ઉમેદવારી માટે ઓરમની તકો ઊભી થઈ છે.
જો વડા પ્રધાન મોદી આ હોદ્દા માટે ઓરમની પસંદગી કરે તો તેઓ ઓડિશામાંથી રવિ રામ બાદ બીજા સ્પીકર હશે જેઓ 19 ડિસેમ્બર 1989થી 9 જુલાઈ 1991 સુખી સ્પીકરપદે હતા. જોકે ભૂતકાળમાં, દલિત ચહેરા સ્પીકર બન્યા છે. વાજપેયીના શાસનમાં ટીડીપીના સભ્ય જી.એમ.સી. બાલ યોગી અને યુપીએ-ટુના શાસન દરમિયાન કૉંગ્રેસના મીરા કુમાર સ્પીકર બન્યાં હતાં.
જુઆલ ઓરમની ઉમેદવારીને મંજૂરી મળે તો ઓડિશામાં તે સંપૂર્ણપણે સંતુલન જાળવી રાખવાની બાબત બની રહેશે જ્યાં લોકસભાની આઠ બેઠક ભાજપે જીતી છે. પેટ્રોલિયમ મિનિસ્ટર ધર્મેન્દ્ર પ્રધાન તથા રાજ્ય કક્ષાના પ્રધાન પ્રતાપ સારંગી પણ ઓડિશાના છે. ઉપરાંત, ઓડિશામાંથી સ્પીકર ધરાવીને નવીન પટનાઇકના બિજુ જનતા દળને પણ રાજ્યસભામાં મૈત્રીપૂર્ણ સાથી તરીકે ખુશ રાખી શકાશે. જ્યાં તેના ટેકાની ભાજપને જરૂર છે.
જુઆલ ઓરમની શાખ-ઓળખને ધ્યાનમાં લેતાં તેઓ સ્પીકરના હોદ્દા માટે ખૂબ જ યોગ્ય છે, કારણ કે તેઓ પાંચ વખત ચૂંટાઈ આવેલા અનુભવી સાંસદ છે અને વાજપેયી તથા મોદી બંનેની કૅબિનેટમાં આદિવાસી બાબતોના પ્રધાન તરીકે સેવા બજાવી છે. મધ્ય વયના હોવા ઉપરાંત તેઓ સુશિક્ષિત ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છે અને વાચાળ વ્યક્તિ છે. જેઓ લોકસભામાં સ્પીકરપદ સંભાળશે જ્યાં વિપક્ષે ઝાઝી કોઈ ભૂમિકા ભજવાની નથી રહેતી.
Published on: Thu, 13 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer