બંગાળમાં તનાવ વધ્યો ભાજપની રેલી રોકવા પોલીસનો બળપ્રયોગ

બંગાળમાં તનાવ વધ્યો ભાજપની રેલી રોકવા પોલીસનો બળપ્રયોગ
વધુ એક કાર્યકરની હત્યાના વિરોધમાં થયેલી રેલી ઉપર લાઠીચાર્જ, ટીયર ગેસના સેલ છોડાયા
 
કોલકાતા, તા. 12: પશ્ચિમ બંગાળમાં ટીએમસી અને ભાજપ વચ્ચે ચાલી રહેલા વિવાદમાં બુધવારે ભાજપના વધુ એક કાર્યકરની લાશ મળી આવતા તનાવમાં વધારો થયો છે. સતત હિંસા સામે ભાજપના કાર્યકર્તા મમતા સરકાર સામે રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. વિરોધ રૂપે પોલીસ હેડક્વાર્ટર તરફ આગળ વધી રહેલા ભાજપના કાર્યકરોને રોકવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને ટીયર ગેસના સેલ છોડયા હતા. આ ઉપરાંત પાણીનો મારો ચલાવીને ભાજપના કાર્યકર્તાઓને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. 
લોકસભા ચૂંટણીનાં પરિણામ બાદ પશ્ચિમ બંગાળમાં ટીએમસી અને ભાજપના કાર્યકરો વચ્ચે સતત ઘર્ષણ થઈ રહ્યું છે. જેમાં થોડા દિવસ અગાઉ ભાજપના કાર્યકરોની હત્યાની ઘટના બાદ ફરી બે દિવસથી ગુમ કાર્યકરની લાશ મળી આવતા આક્રોશ ફેલાયો હતો અને ભાજપના કાર્યકરોએ વિરોધરૂપે પ્રદર્શન શરૂ કર્યું હતું. આ અગાઉ મંગળવારના રોજ પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગના જિલ્લાના કાંકીનારા બોમ્બ વિસ્ફોટમાં 2 લોકોનાં મૃત્યુ થયાં હતાં અને 4ને ઈજા પહોંચી હતી. હવે ફરી એક હત્યાના બનાવથી ભાજપ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેમાં પોલીસ હેડક્વાર્ટર પહોંચતા ભાજપના કાર્યકરોને રોકવા માટે બળપ્રયોગ પણ કરવાની ફરજ પડી હતી. 
દરમિયાન, રાજ્યમાં વધી રહેલી હિંસાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ બંગાળના રાજ્યપાલ ત્રિપાઠીએ ગુરુવારે સર્વપક્ષીય બેઠક બોલાવી છે.
Published on: Thu, 13 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer