ચર્ચગેટ સ્ટેશનની ઇમારત પરના ગાંધીજીના ભીંતચિત્રની

ચર્ચગેટ સ્ટેશનની ઇમારત પરના ગાંધીજીના ભીંતચિત્રની
તોતિંગ પેનલો પડતાં વરિષ્ઠ નાગરિકનું મૃત્યુ : બેને ઈજા
 
રેલવે સદ્ગતના પરિવારને પાંચ લાખનું વળતર આપશે

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 12 : આજે બપોરે સુમારે 12.20 વાગે ચર્ચગેટ રેલવે સ્ટેશનની નવી બિલ્ડિંગના બીજા અને ત્રીજા માળ પરથી છ જેટલી એલ્યુમિનિયમ કલેડીંગ પેનલો ધડાકાભેર નીચે પડતાં ત્યાંથી પસાર થતાં મધુકર નાર્વેકર (63) નામના એક વરિષ્ઠ નાગરિકનું કરુણ મૃત્યુ નીપજયું હતું અને બે જણને નજીવી ઈજા પહોંચી હતી. રેલવેએ નાર્વેકરના પરિવારને પાંચ લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. 
પશ્ચિમ રેલવેના જનસંપર્ક અધિકારીએ જણાવ્યું હતું કે ગુજરાતના દરિયા કિનારે ફૂંકાઈ રહેલા ભારે વાવાઝોડાની અસરરૂપે આજે અહીં દરિયા તરફથી આવતા પવન અને વરસાદને કારણે ચર્ચગેટની બિલ્ડિંગના પૂર્વ તરફના ભાગ પરના મહાત્મા ગાંધીના 61 ફૂટ x 54 ફૂટના વિરાટ ભીંતચિત્રની 6 જેટલી કલેડીંગ અચાનક નીચે પડી હતી. એ વખતે નીચેથી પસાર થતા નાર્વેકર એની અડફેટમાં આવી ગયા હતા તેમને ગંભીર ઈજા થઈ હતી. તેમને તત્કાળ જી.ટી. હૉસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાં તેમને મૃત ઘોષિત કરાયા હતા.
તેઓ રેલવે પ્રવાસી હતા કે રાહદારી એ તત્કાળ જાણી શકાયું નહોતું પરંતુ રેલવેના નિયમ પ્રમાણે તેમને વળતર ચૂકવવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું.
રેલવે અધિકારીઓના જણાવ્યા મુજબ નવેમ્બર 2017માં મહાત્મા ગાંધીનું ભીંતચિત્ર મૂકવામાં આવ્યું હતું. બ્રાઝિલના સ્ટ્રીટ આર્ટિસ્ટ એડુઆર્ડો કોબરાએ મહાત્મા ગાંધીજીને અંજલિ આપવાના રૂપે આ કૃતિ તૈયાર કરી હતી. કોબરાએ રોમમાં નેલ્સન મંડેલાનું પણ ભીંતચિત્ર દોર્યું છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે અૉક્ટોબર મહિનામાં પુણે રેલવે સ્ટેશનની હદમાં 40 ફૂટ ઊંચું હોર્ડિંગ તૂટી પડતાં ચાર જણનાં મૃત્યુ નીપજયાં હતાં. રેલવેની જમીન પર આ હોર્ડિંગની ધાતુની ફ્રેમ તૂટી પડતાં એ દુર્ઘટના સર્જાઈ હતી.
Published on: Thu, 13 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer