અનંતનાગમાં આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ

અનંતનાગમાં આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ
અનંતનાગ, તા. 12 : અમરનાથ યાત્રાથી થોડા સમય પહેલાં જ દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આજે મોટો આતંકી હુમલો થયો હતો. આતંકવાદીઓએ  બુધવારે અહીંના એક ભારે ભીડવાળા માર્ગ પર કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (સીઆરપીએફ)ની એક ટુકડીને  નિશાન બનાવી હતી. હુમલામાં સીઆરપીએફના પાંચ જવાન શહીદ થઇ ગયા?છે. આ પહેલાં 2 ઇજાગ્રસ્ત જવાનોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી, પરંતુ તેમને બચાવી શકાયા નહોતા. હુમલામાં જમ્મુ અને કાશ્મીર પોલીસના એક ઇન્સ્પેક્ટર પણ ઇજાગ્રસ્ત છે.
અધિકારીઓએ  જણાવ્યું હતું કે, ઓછામાં ઓછા બે આતંકવાદીઓએ કે.પી. રોડ પર સીઆરપીએફના કાફલા પર ઓટોમેટિક રાઇફલોથી અંધાધૂંધ ગોળીઓ વરસાવી હતી અને પછી બાદમાં ગ્રેનેડ ફેંકાયા હતા. અથડામણ ઘણે મોડે સુધી ચાલી રહી હતી. સુરક્ષા દળો સાથે અથડામણમાં એક આતંકી માર્યો ગયો હતો. અનંતનાગ પોલીસ સ્ટેશનના એસએચઓ અરશદ અહમદ પણ હુમલામાં ઇજા પામ્યા હતા. તેમને ઇલાજ માટે શ્રીનગર લાવવામાં આવ્યા હતા.
અહેવાલો અનુસાર અલ ઉમર મુજાહીદ્દીન નામે આતંકવાદી સંગઠને  આ હુમલાની જવાબદારી લીધી હોવાનું જાણવા મળે છે.
મુસ્તાક જરગર આ આતંકી જૂથનો વડો છે. બાલાકોટ હવાઇ હુમલા વખતે પણ જરગર વાયુદળના નિશાને હતો.
મુસ્તાક એ જ આતંકવાદી છે જેને 1999માં વિમાન આઇસી-814ના અપહ્યત યાત્રીઓના છૂટકારાના બદલામાં ભારત સરકારે છોડી દીધો હતો. ત્યારબાદ મસૂદ અઝહર અને શેખ ઉમરને પણ છોડી દેવાયા હતા.
Published on: Thu, 13 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer