વાયુ વાવાઝોડાએ સમય અને સ્થળ બદલ્યા, બપોર બાદ પોરબંદરમાં ત્રાટકશે

વાયુ વાવાઝોડાએ સમય અને સ્થળ બદલ્યા, બપોર બાદ પોરબંદરમાં ત્રાટકશે
ગુજરાત માટે આજનો દિવસ કુદરતની કસોટીનો
 
રાજ્યના 10 જિલ્લામાંથી 2.15 લાખ લોકોનું સ્થળાંતર

અમદાવાદ, તા.12: ગુજરાતને ધમરોળવાની તૈયારીમાં રહેલા વાયુ વાવાઝોડાની ગતિ ધીમી પડતાં તેની દિશાની સાથે સમય પણ બદલાયો છે. હવે વાયુ વાવાઝોડું 13મી જૂનના રોજ સવારે 3 કલાકે નહીં પરંતુ બપોરે દરિયાકાંઠે ટકરાશે. આ વાવાઝોડું પહેલા વેરાવળના દરિયાકાંઠા ત્રાટકશે તેવું મનાતું હતું પરંતુ હવે તે પોરબંદર તરફ ફંટાઇ રહ્યું છે. હાલ વાયુ વાવાઝોડું વેરાવળથી 270 કિલોમીટર દૂર છે. વેરાવળથી દ્વારકાની વચ્ચે આ વાવાઝોડું ટકરાઇ શકે છે. પવનની ગતિ વિશે જણાવતા જયંત સરકારે  જણાવ્યુ ંકે, પવનની ગતિ 155-165 કિલોમીટર પ્રતિ કલાક રહેશે અને ગતિ વધીને 180 કિલોમીટર પ્રતિ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. વાયુ વાવાઝોડાંથી થનારા સંભવિત નુકસાનને પહેંચી વળવા માટે રાજ્યના તમામ તંત્રો કામે લાગી ગયા છે. એનડીઆરએફ, પોલીસ, આર્મી, કોસ્ટગાર્ડ, નેવીની ટીમો ખડેપગે છે. લાખો લોકોનું સ્થળાંતર સુરક્ષિત જગ્યાએ કરવામાં આવ્યું છે. બુધવારે સાંજના સૌરાષ્ટ્રનો દરિયો ગાંડોતૂર થતાં તમામ બંદરો પર 9 નંબરનું અતિ ભયજનક સિગ્નલ મુકવામાં આવ્યું છે.
વાવાઝોડાંની અસરના પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થયો છે તો ભારે પવનના કારણે વૃક્ષો અને ઝૂંપડાં ધરાશાયી થયા છે.
હવામાન વિભાગના ડાયરેકટર જયંત સરકારના જણાવ્યા પ્રમાણે વાવાઝોડાની આગળ વધવાની ગતિ ધીમી પડતા ગુરૂવારે વહેલી સવારે વાયુ દરિયાકાંઠા પહોંચવાનું હતું, જે બપોર પછી પહોંચશે. વાવાઝોડાની દિશા થોડી બદલાશે અને તે દ્વારકા અને વેરાવળ વચ્ચેથી પસાર થશે.  વાવાઝોડુ અમરેલી, ગીર, જૂનાગઢ, સોમનાથ, દ્વારકા, કચ્છ અને જામનગરને અસર કરશે. વાવાઝોડાની તીવ્રતા વધવાની માહિતી પણ જંયત સરકારે આપી હતી. વાવાઝોડાના કારણે આ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાનું જણાવતા તેમણે એમ પણ કહ્યુ ંકે, વાવાઝોડાના કારણે ભારે નુકશાન થવાની શક્યતાઓના પગલે વાવાઝોડા ઉપર સતત મોનિટરીંગ ચાલી રહ્યુ ંછે અને વાવાઝોડા અંગે સરકારને સતત અપડેટ કરતા હોવાનું પણ જયંત સરકારે ઉમેર્યુ હતું. 
વાયુ વાવાઝોડું તીવ્ર ગતિથી ગુજરાતના વેરાવળ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે રાજ્યભરમાં તેની અસરનો પ્રારંભ થઇ ચૂક્યો છે. ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ , તો કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટોઆવ્યો છે. રાજ્યભરમાં વરસાદી વાદળાઓથી આકાશ છવાઇ ગયું છે.
વાયુ વાવાઝોડાના પગલે દક્ષિણ ગુજરાતના વલસાડ, તાપી, નર્મદા, ડાંગ, સુરત અને નવસારી  એમ 6 જિલ્લાના 23 તાલુકામાં વરસાદ પડયો છે.  જેમાં સૌથી વધુ વરસાદ વલસાડના કપરાડા વિસ્તારમાં એક ઇંચ કરતા પણ વધુ વરસાદ પડયો છે. આ સાથે નવસારીના ચીખલી તેમજ વાંસદા સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી પડયો હતો. ચીખલી સહિતના વિસ્તારોમાં વીજળી ડુલ થતા લોકોને અંધારપટમાં રહેવાનો વારો આવ્યો હતો. વ્યારામાં વીજળી પડતાં મહિલાનું મોત થયું હતું. 
જ્યારે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. હાલમાં ખેડૂતો બાજરીના પાકની કાપણી કરી રહ્યા છે, જો વરસાદ પડે તો તેમને નુકશાન થઇ શકે છે ત્યારે વાતાવરણમાં પલટાને લઇને ખેડૂતો ચિંતિત બન્યા છે.
આ સાથે સાબરકાંઠા, પાટણ, અરવલ્લી તથા મહીસાગર જિલ્લામાં પણ વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ છવાયુ હતું. હિંમતનગરમાં આકાશમાં છૂટા છવાયા વાદળો ઘેરાતા લોકોને અસહ્ય બફારાનો સામનો કરવો પડયો હતો. ડભોઇના ચાંદોદમાં પવન સાથે વરસાદ થતા લોકોને ગરમીમાં રાહત મળી હતી.
Published on: Thu, 13 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer