બંધ પડેલા બ્રિજોના પાંચ કિ.મી. વિસ્તારોમાં ખાનગી પાર્કિંગ બંધ

મુંબઈ, તા. 13 : શહેરભરના 29 બ્રિજો બંધ રહ્યા છે તેને લક્ષમાં લઈને રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈકાલે એક તાકીદની મિટિંગ બોલાવી અને રોડની ગીચતા તેમ જ ચોમાસા દરમિયાન મોટોરિસ્ટોને અગવડ પડે નહીં તે માટેની વ્યૂહરચના ઘડી કાઢવાનો આદેશ આપ્યો હતો.
મુખ્ય પ્રધાને બીએમસીને ગીચતા ધરાવતા અને બંધ કરાયેલા બ્રિજોના પાંચ કિ.મી.ના વિસ્તારોમાં જ્યાં બસની વિનામૂલ્યે સેવાઓ મળનાર છે ત્યાં ખાનગી પાર્કિંગ બંધ કરી દેવાનો આદેશ આપ્યો છે. સાથેસાથે મોટોરિસ્ટોને બ્રિજો બંધ કરી દેવાથી અસલામત કે અરક્ષિતતા અનુભવતા નથી તે લક્ષમાં રખાશે. ટ્રાફિક પોલીસને પણ એવી સૂચના અપાઈ છે કે ગૂગલ મેપના સહકારથી મોબાઈલ ઍપ વિકસાવે જે થકી જ્યાં કામચલાઉ રસ્તા બંધ છે કે અન્યત્ર વાળવામાં આવે છે તેવી વેળાએ વૈકલ્પિક રૂટ્સ ઉપલબ્ધ બની રહે.
માટુંગાની વીજેટીઆઈ કૉલેજ નજીકના બંધ પડેલા બ્રિજોમાંથી કોઈનો પણ કામચલાઉ ધોરણે હળવાં વાહનોની અવરજવર માટે ફરી ખુલ્લા મૂકી શકાય તે મુદ્દાને લક્ષમાં રાખી તે અંગેની વિચારણા કરી રહી છે.
 

Published on: Thu, 13 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer