ગુજરાત ઉપરથી ટળ્યું : ચક્રવાત ઓમાન ભણી વળ્યું

ગુજરાત ઉપરથી ટળ્યું : ચક્રવાત ઓમાન ભણી વળ્યું
`વાયુ'ની દિશા બદલાઈ, પરંતુ ખતરો હજી ટળ્યો નથી : હવામાન વિભાગ 
ગાંધીનગર, તા. 13 : `વાયુ' વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે નહીં ટકરાય તેવી શક્યતા રહેલી છે. ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટના જણાવ્યા પ્રમાણે લો પ્રેશરમાંથી ભયંકર વાવાઝોડામાં પરિવર્તિત થયેલું `વાયુ' વાવાઝોડું કદાચ ગુજરાતના દરિયાકાંઠા સાથે નહીં ટકરાય. વાયુ હાલ ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે, જે રીતની પરિસ્થિતિ ઊભી થઈ રહી છે તેના પરથી એવું લાગી રહ્યું છે કે વાયુ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે નહીં ટકરાય, પરંતુ પોરબંદર, દ્વારકા અને ઓખાના દરિયાકાંઠાની નજીકથી પસાર થશે. શક્યતા છે કે કાંઠાના વિસ્તારમાં થોડી અસર જોવા મળે. 
સ્કાયમેટના જણાવ્યા પ્રમાણે વાયુ દરિયામાં આગળ વધતું રહશે, પરંતુ હાલ તે કેટેગરી-2 પ્રકારનું ભયાનક વાવાઝોડું છે, તે બદલીને કેટેગરી-1માં આવી શકે છે. જોકે, આ દરમિયાન હવાની ગતિ 135થી લઈને 175 કિલોમીટર પ્રતિ કલાક થઈ શકે છે.
ગુજરાત માથેથી વાયુ વાવાઝોડાનું સંકટ ટળ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ગુજરાતના દરિયાકાંઠે વાયુ વાવાઝોડું નહીં ટકરાય, પરંતુ વાવાઝોડાની અસરના કારણે પોરબંદર, વેરાવળ અને દ્વારકાના દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે વરસાદ અને પવન ફૂંકાશે. 
હવામાન વિભાગની સાયન્ટિસ્ટ મનોરમા મોહંતીએ જણાવ્યું કે, વાયુ વાવાઝોડું ગુજરાતના કાંઠે નહીં ટકરાય. વાવાઝોડું વેરાવળ, પોરબંદર અને દ્વારકાના કાંઠા પાસેથી પસાર થશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ અને પવન ફૂંકાશે.  બનાસકાંઠા જિલ્લામાં આવેલા યાત્રાધામ અંબાજી અને આસપાસના વિસ્તારમાં ઝરમર વરસાદ પડવાથી ગરમીનો પારો ગગડ્યો છે. ગુરુવાર આખો દિવસ વરસાદ ચાલુ રહે તેવી શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, વાયુ વાવાઝોડું છેલ્લા 6 કલાકમાં ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ ફંટાયું છે. વાવાઝોડું હાલ વેરાવળથી 130 કિમી અને પોરબંદરથી 180 કિમી દૂર છે. ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડું 135થી 145 કિમીની ઝડપે ટકરાશે. 
વાયુ વાવાઝોડાના આગમન પહેલા સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. પવન અને વરસાદને કારણે સૌરાષ્ટ્રના ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. મંગળવારે વીજ પુરવઠો બંધ થવાને કારણે 2251 ગામોની વીજળી બંધ થઈ હતી, જેમાંથી 1924 ગામોમાં વીજ પુરવઠો ફરી શરૂ કરી દેવામાં આવ્યો હતો. એટલે કે ગુરુવારે સવારે છ વાગ્યાની સ્થિતિ પ્રમાણે 327 ગામમાં હાલ વીજ પુરવઠો બંધ છે.  વાવાઝોડા-પવનને કારણે 904 વીજ ફીડર ખોટવાયા હતા, જેમાંથી 697 ફીડર પુન: શરૂ કરાયા છે. આ ઉપરાંત 566 વીજ થાંભલાઓને અસર થઈ હતી, જેમાંથી 230ને પુન: સ્થાપિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત બાકી રહેલા ગામોનો વીજ પુરવઠો શરૂ કરવા યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વીજ પુરવઠો ખોરવાયો હોય તેવા ગામોમાં મુખ્યત્વે છોટાઉદેપુર જિલ્લાના 258, દેવભૂમિ-દ્વારકાના 129, ગીર-સોમનાથના 189, જામનગરના 105, જૂનાગઢના 118, મહેસાણાના 240, પાટણના 317, સાબરકાંઠાના 135 અને સુરત જિલ્લાના 263 ગામોનો સમાવેશ થાય છે.  ભાવનગરના ધાંધળી ગામે પવનથી સાત જેટલા વીજ પોલ ધરાશાયી થયા છે. વીજ પોલ પડતા પાંચ ગામનો વીજ પુરવઠો ખોરવાયો છે. રાત્રે અંધારપટ થતાં લોકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વીજ પોલ સાથે બે ટ્રાન્સફોર્મર પણ ધરાશાયી થયા છે. 
વાયુ વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્રમાંથી લાખો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. અનેક લોકો અને સંસ્થાઓ આ સંકટભરી સ્થિતિમાં કામ કરી રહ્યાં છે. પરિસ્થિતિ અંગે હવામાન વિભાગનાં એડિશનલ ડાયરેક્ટર મનોરમા મોહંતી સાથે વાત કરતા જણાયું કે, `વાયુ વાવાઝોડાનું સેન્ટર ગુજરાતની અંદરનાં ભાગે નહીં આવે, પરંતુ દરિયાની અંદર રહેશે. સૌરાષ્ટ્રનાં દરિયાકિનારે અથડાઇને જશે. લેન્ડ ફોલ નહીં થાય, પરંતુ અહીંના કિનારાઓ પર અસર રહેશે, જેના કારણે બે દિવસ એટલે 15મી તારીખ સુધી દરિયાકાંઠાનાં વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે.' 
પીજીવીસીએલમાં કુલ 45 ડિવિઝન અને 70 સબડિવિઝન આવેલા છે. 45 પૈકી 14 ડિવિઝન અસરગ્રસ્ત થવાની શકયતા છે. વાવાઝોડા દરમિયાન કંટ્રોલ રૂમ અને કસ્ટમર કેર 24 કલાક ચાલુ રહેશે. મધરાતે `વાયુ' વાવાઝોડાની થોડી દિશા બદલાઇ છે, પરંતુ ઝડપમાં વધારો થયો છે. બપોર બાદ સરકાર ગુજરાતના વાતાવરણને લઈને ફરી જાહેરાત કરી શકે છે. હાલ વાયુ વાવાઝોડું વેરાવળથી 200 કિમી દૂર ઓમાન તરફ ફંટાઈ રહ્યું છે, જેથી ગુજરાતના દરિયાકાંઠે ભારે વરસાદ પડશે અને આગામી 15 જૂન સૂધી વાવાઝોડાનો ખતરો રહેશે.
`વાયુ' વાવાઝોડુંનો ખતરો ગુજરાત પર નહીં આવે તેવું સ્કાયમેટ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ તેની અસર પોરબંદર, દ્વારકા, વેરાવળ અને ઓખાના દરિયાકાંઠે થશે. વહેલી સવારથી વેરાવળનો દરિયો ગાંડોતૂર બન્યો છે અને ઊંચા મોજા ઊછળી રહ્યા છે. હાલ વેરાવળના દરિયાકાંઠે 50થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે. તેમ જ પવનના સૂસવાટા વચ્ચે ઝરમર વરસાદ પણ વરસી રહ્યો છે. ઉનાના રાજપરા બંદર ખાતે ગઇકાલે એક માછીમાર દરિયામાં ગરકાવ થયો હતો, જેનો આજે મૃતદેહ મળી આવ્યો છે. વેરાવળમાં ભારે પવનને કારણે 10થી 12 જેટલા વૃક્ષો ધરાશાયી થયા છે, પરંતુ કોઇ જાનહાનિ સર્જાઇ નથી.  `વાયુ' વાવાઝોડાની અસર રાજકોટમાં જોવા મળી રહી છે. રાજકોટમાં વહેલી સવારથી જ ભારે પવન સાથે ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. તેમ જ જસદણ, આટકોટ, વીંછિયા, અમરેલી, જૂનાગઢ, જામનગર સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. ગોંડલમાં પણ વરસાદ શરૂ થયો છે, જેને કારણે તંત્ર દ્વારા વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો છે. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. 

Published on: Thu, 13 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer