90ના દશકામાં પાક ટીમ સારી હતી, હવે ભારત ચડિયાતું

90ના દશકામાં પાક ટીમ સારી હતી, હવે ભારત ચડિયાતું
દબાણનો સામનો કરી નહીં શક્યાનું  સરફરાઝે સ્વીકાર્યું

માંચેસ્ટર, તા. 17 : ભારત સામેના મેચની હાર બાદ પાકિસ્તાનના સુકાની સરફરાઝ અહમદે કહ્યં હતું કે 90ના દશકામાં તેમની ટીમ ભારતથી સારી હતી, હવે હાલાત વિપરિત છે. તેનો એવો સવાલ થયો કે આટલાં વર્ષો બાદ શું ભારત-પાક.ના મેચનો રોમાંચ ખતમ થઈ ગયો છે. જેના પર સરફરાઝે જણાવ્યું કે અમે દબાણનો સારી રીતે સામનો કરી શક્યા નહીં. ભારતીય ટીમ હવે સારી છે અને આથી જ જીતી રહી છે. સરફરાઝે સ્વીકાર્યું કે ક્રિકેટના ત્રણેય વિભાગમાં પાક. ટીમ ભારતીય ટીમથી ઘણું ખરાબ રમી. અમે બે દિવસથી પીચ જોઇ ન હતી. તેના પર ભિનાશ હતી. આથી મેં પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો પણ બોલરો શિસ્તબદ્ધ દેખાવ કરી શક્યા નહીં.
ભારત સામેની કારમી હાર બાદ પાક. સુકાની સરફરાઝ અહેમદને દરેક પ્રકારના સવાલો પુછાયા હતા. એક પત્રકારે પુછયું કે મેચ દરમિયાન તમારા ખેલાડીઓની બોડી લેંગ્વેજ નકારાત્મક દેખાઈ રહી હતી. જેના પર પાક. સુકાનીએ કહયું કે એવું નથી. ખેલાડીઓએ પૂરી કોશિશ કરી. ફિલ્ડિંગમાં ચૂકી ગયા. રોહિતને બે વખત રનઆઉટ કરી શકાય તેમ હતો. જો એવું થઇ શક્યું હોત તો પરિણામ અલગ હોત. અન્ય એક પત્રકારે પુછયું ભારત વિરુદ્ધ રમવા તમારા તમામ ખેલાડીઓ શારીરિક અને માનસિક રીતે ફિટ હતા ? તેના પર સરફરાઝે કહ્યં કે ખેલાડી સાથે ફિટનેસની સમસ્યા નથી. બધાને ફિટનેસ ટેસ્ટ પાસ કરીને લેવામાં આવ્યા હતા. હવે હાર મળી છે એથી આવા સવાલ ઉઠવાના. 
ડ્રેસિંગ રૂમમાં મતભેદ અને તેના સુકાનીપદથી સિનિયર ખેલાડીઓ મોહમ્મદ હફિઝ અને શોએબ મલિક નારાજ હોવાના સવાલ પર કહ્યં કે ડ્રેસિંગ રૂમના માહોલમાં કોઈ ખરાબી નથી. હફિઝ અને મલિકને એક ઓવરથી વધુ ન દેવા પર તેણે કહ્યં એથી વધુની જરૂર ન હતી, કારણ કે ભારતના બેટધર જામી ચુક્યા હતા અને બન્ને 11-11 રન આપી ચુક્યા હતા. સેમિ ફાઇનલની શક્યતા પર સરફરાઝે એવો દાવો કર્યો કે અમે બાકીના તમામ ચાર મેચ જીતવાની કોશિશ કરશું. અમારે સકારાત્મક રીતે આગળ માટે વિચારવું પડશે. વાપસી શક્ય છે.
Published on: Tue, 18 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer