હોપ 4 રને સદી ચૂક્યો : બાંગ્લાદેશ વિરુદ્ધ વિન્ડિઝના 8/321

હોપ 4 રને સદી ચૂક્યો : બાંગ્લાદેશ વિરુદ્ધ વિન્ડિઝના 8/321

 હેટમાયરના 26 દડામાં 50 : ફટકાબાજ ગેલ અને રસેલ ઝીરોમાં આઉટ : બાંગ્લાદેશ તરફથી મુસ્તાફિઝુર અને સૈફૂદિનની 3-3 વિકેટ
 
ટોન્ટન, તા. 17 : ટોચના ક્રમના બેટધરોની શાનદાર અને આક્રમક ઇનિંગ બાદ આખરી 5 ઓવરમાં 33 રન જ કરી શકનાર અને ગેલ-રસેલ જેવા આતશી ફટકાબાજ ઝીરોમાં આઉટ થવા છતાં વેસ્ટ ઇન્ડિઝની ટીમ વિશ્વ કપના આજના મેચમાં બંગલાદેશ સામે 50 ઓવરના અંતે 8 વિકેટે 321 રનનો મોટો સ્કોર બનાવવામાં સફળ રહી હતી. વેસ્ટ ઇન્ડિઝ તરફથી પ્રતિભાશાળી વિકેટકીપર-બેટસમેન શાઇ હોપ ચાર રને સદી ચૂકી ગયો હતો. આ સિવાય ઇવિન લૂઈસે 70 અને સિમરોન હેટમાયરે 50 રન કર્યાં હતા. બંગલાદેશ તરફથી સૈફૂદિન અને મુસ્તાફિઝુરે 3-3 વિકેટ લીધી હતી. 
બંગલાદેશના સુકાની મોર્તઝાએ ટોસ જીતીને પહેલા ફિલ્ડીંગ પસંદ કરી હતી. વિન્ડિઝની શરૂઆત નબળી રહી હતી. તેનો મુખ્ય બેટસમને ક્રિસ ગેલ 13 દડાનો સામનો કરીને ઝીરોમાં આઉટ થયો હતો. 6 રને પહેલી વિકેટ પડયા બાદ લેવિસ અને હોપ વચ્ચે બીજી વિકેટમાં બંગલાદેશના બોલરોની ધોલાઇ કરીને 116 રનની જોરદાર ભાગીદારી થઇ હતી. લેવિસે 67 દડામાં 6 ચોકકા અને 2 છકકાથી 70 રન કર્યાં હતા. આ પછી પૂરને 25 રનનું યોગદાન આપ્યું હતું. ચોથી વિકેટમાં હોપ અને હેટમાયર વચ્ચે 83 રનની ભાગીદારી થઇ હતી. હેટમાયરે માત્ર 26 દડામાં 4 ચોકકા અને 3 છકકાથી આતશી 50 રનની ઇનિંગ રમી હતી. હોપ ચાર રને સદી  ચૂકી ગયો હોત. તેણે 121 દડામાં 4 ચોકકા અને 1 છકકાથી 96 રન બનાવ્યા હતા. સુકાની હોલ્ડરે માત્ર 15 દડામાં 2 છકકા અને 4 ચોકકાથી 33 રન કર્યાં હતા. ગેલની જેમ રસેલ પણ ઝીરોમાં આઉટ થયો હતો. આમ છતાં 50 ઓવરના અંતે વેસ્ટ ઇન્ડિઝે 8 વિકેટે 321 રન કરવામાં સફળ રહયું હતું. બંગલાદેશ તરફથી મુસ્તાફિઝુરે 59 રનમાં 3 અને સૈફૂદિને 72 રનમાં 3 વિકેટ લીધી હતી.
Published on: Tue, 18 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer